(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16: દમણની શૈક્ષણિક સંસ્થા મહાત્મા ગાંધી મેમોરિયલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક વિદ્યાલય ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘વિશ્વ યોગ દિવસ’ 21 જૂનની પૂર્વ તૈયારીના સંદર્ભમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. પતંજલિ યોગ સમિતિ, ગુજરાતના રાજ્ય (મહિલા)પ્રભારી તનુજા આર્યએ વિદ્યાર્થીઓને યોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સાર્વજનિક વિદ્યાલયના શિક્ષક શ્રી શશીકાંતભાઈ ટંડેલે યોગ દિવસ 21 જૂનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે યોગના સતત અભ્યાસથી તણાવ કેવી રીતે ઓછો થઈ શકે તે પણ સમજાવ્યું હતું. સવારે 7:30 થી 8:30 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વિદ્યાલયના આચાર્ય શ્રી દિપકભાઈ મિષાી, શિક્ષકો, વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા કર્મચારીઓ મળીને આશરે 800 જેટલા લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પતંજલિયોગ સમિતિ, ગુજરાતના રાજ્ય કાર્યકારિણીની સદસ્ય શ્રીમતી શીલા વશી, દમણ જિલ્લા મહામંત્રી શ્રીમતી નીતા પટેલ તથા યોગ શિક્ષકો શ્રી અરુણભાઈ, શ્રીમતી પ્રતિભાબેન, શ્રીમતી માનસી પાટીલ, શ્રીમતી મણીબેન વગેરેએ યોગ અંગે જાગૃતિ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ અવસરે નેશનલ યોગ કોમ્પિટિશનમાં સફળ યોગદાન આપનાર ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી સાર્વજનિક વિદ્યાલયની યોગપ્રેમી વિદ્યાર્થીની કુ. રિયા સિંગ દ્વારા જુદા જુદા કઠિન આસનો વિદ્યાર્થીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન શ્રી જીગ્નેશ જોગીએ ખાસ આગ્રહ કર્યો છે કે આગામી 21 જૂનના રોજ ઊજવવામાં આવનારા ‘વિશ્વ યોગ દિવસ’ને મહોત્સવના રૂપે ઊજવી સફળ બનાવવાના ભાગ રૂપે મંગળવાર તારીખ 18મી જૂનથી સાર્વજનિક વિદ્યાલયમાં સાંજે 5:30 થી 6:30 યોગ શિબિર યોજાશે જેનો લાભ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના શિક્ષકો અને અન્ય વ્યક્તિને મળશે.
આ કાર્યક્રમની આભાર વિધિ શ્રીમતી અનુપમાબેન ત્રિપાઠીએ કરી હતી.
