(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03
સમાજ કલ્યાણ વિભાગ-દમણ દ્વારા તા.29 માર્ચ, 2022ના રોજ બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત નશાની વ્યસન સામેની લડાઈ અને ‘નશાને કહોના’ થીમ પર ચિત્ર સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધા સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભા અને દમણ કલેક્ટર ડો. તપસ્યા રાઘવના માર્ગદર્શન હેઠળ અને સમાજ કલ્યાણ વિભાગના નિયામક શ્રી જતીન ગોયલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં, બાલ ભવનના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ માટે ‘નશાના વ્યસન સામે યુદ્ધ’ અને ‘ડ્રગ્સને કહો ના’ થીમ પર તેમના ચિત્રો દ્વારા પ્રસ્તુતિઓ કરી હતી. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને નશાના વ્યસનથી રોકવાનો અને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત દમણના તમામ નાગરિકોને તેમનાથી માહિતગાર કરવાનો છે અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે દમણ બાલ ભવનના ડાયરેક્ટર શ્રી મનોજ ગોસ્વામીએ બાળકોના પ્રયાસોની પ્રશંસા કરી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
આ સંદર્ભમાં નશા મુક્ત ભારત અભિયાન, દમણના નોડલ ઓફિસરશ્રીએ તમામ સ્પર્ધાઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. આપણે સૌએ સાથે મળીને આ અભિયાનને આગળ ધપાવવાનું છે અને આપણા પ્રદેશને ‘નશા મુક્ત’ બનાવવાનું છે. કાર્યક્રમના અંતે ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દમણ બાલ ભવન અને બાળ સુરક્ષા સમિતિની ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યોહતો.
