સરપંચ યોગેશ પટેલ, હેલ્પીંગ હેન્ડના ભાવિક પેટલ અને યુવાનો મહામહેનતે વાછરડાને ઉગારી લીધું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: ખુલ્લી ગટરોની ચેમ્બરમાં મુંગા પ્રાણીઓ અજાણતા પડી જતા હોય છે ત્યારે તેમની જીંદગી દાવ પર લાગી જતી હોય છે તેવી ઘટનાઓ વારંવાર ઘટતી જોવા મળે છે. આજે શુક્રવારે વાપીના ચરવાડા ગામે ગટરની ખુલ્લી ચેમ્બર એક માસુમ વાછરડું અચાનક અંદર પટકાઈ ગયું હતું. સ્થાનિક યુવાનોએ મહેનત કરી રેસ્ક્યુ કરી વાછરડાને ઉગારી લીધું હતું.
છરવાડા ગામમાં આવેલ ઓસવાલ સમાજની વાડી પાસે એક ખુલ્લી ગટરની ચેમ્બરમાં વાછરડું અચાનક અંદર પડી ગયું હતું. ઘટનાની જાણ થતાં હેલ્પીંગ હેન્ડના ભાવિક પટેલ, સરપંચ યોગેશ પટેલ અને અન્ય યુવાનો ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી. સૌ યુવાનોએ ભારે જહેમત કરી ચેમ્બરમાં ઉતરીને વાછરડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢયું હતું. ત્યારબાદ તુરત ડ્રેનેજ લાઈનનું ઢાંકણ નાખી ચેમ્બરને બંધ કરી દેવાઈ હતી. તેથી હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના ઘટે તેવા પગલાં સરપંચ યોગેશ પટેલે ભર્યા હતા.