થોડા દિવસ પહેલા આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર ત્રણ હોસ્પિટલ, એક હોટલ, ટયુશન ક્લાસીસ સહિત માત્ર આઠ સ્થળોએ હાથ ધરેલી તપાસ જ્યારે મોટાભાગની બિલ્ડીંગો અને શોપિંગ મોલમાં તપાસ કરવાની જરૂરિયાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: ઉમરગામ પાલિકા ફાયર વિભાગ દ્વારા આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે થોડા દિવસ પહેલા રિજનલ ફાયર ઓફિસર સુરતના માર્ગદર્શન હેઠળ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઉલ્લંઘન કરનાર શહેરની ત્રણ હોસ્પિટલ, એક હોટલ, ટયુશન ક્લાસીસ સહિત આઠ સ્થળો સામે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારી એક સપ્તાહની અંદર ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. હવે આ તપાસ ફાયર વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે વધુ સ્થળોને આવરી લેવા આગળ વધાવવામાં આવશે એવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
થોડા દિવસ પહેલા રાજકોટ ગેમ ઝોન ખાતે બનેલી આગની હોનારત બાદસમગ્ર રાજ્યમાં આગ સલામતીના સુવિધા ઉપલબ્ધ ન કરનાર બિલ્ડીંગો અને જાહેર સ્થળો સામે તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉમરગામ પાલિકા ફાયર વિભાગે પણ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બિલ્ડીંગો, એપાર્ટમેન્ટો, સ્કૂલ, હોસ્પિટલ, ટયુશન ક્લાસીસ હોટલો તથા પબ્લિક અવરજવરવાળા ભરચક વિસ્તારમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તેને ચકાસણી કરી રિપોર્ટ રીઝનલ ફાયર ઓફિસર સુરતને મોકલવામાં આવ્યો હતો.
તપાસની કાર્યવાહી બાદ ઉમરગામ નગરપાલિકાના ફાયર વિભાગે ઉમરગામ શહેરની જાણીતી અને લાંબા સમયથી આક સલામતી નિયમનુ ઉલ્લંઘન કરતી મમતા હોસ્પિટલ, રુદ્ર હોસ્પિટલ અને નેવા હોસ્પિટલ તેમજ રાશિ ડેવલપર, આર જી લેન્ડમાર્ક હોટલ, એ સ્ટેટ ટયુશન ક્લાસ, સહિત આઠ સ્થળોને નોટિસ ફટકારી હતી અને ફાયર સેફટીની સુવિધા તાત્કાલિક એક સપ્તાહમાં ઉપલબ્ધ કરાવા જણાવ્યુ હતુ. આ નોટિસ બાદ ઘણા સ્થળોએ નિયમની પૂર્તતા કરવામાં આવી નથી એવું જાણવા મળી રહ્યું છે. હવે ફાયર વિભાગ આ સ્થળો સામે કેવા પ્રકારના પગલાં ભરે એના ઉપર નજર મંડરાયેલી છે વધુમાં ફાયર વિભાગના અધિકારી શ્રી ભરતભાઈ ઉમરગામ વિસ્તારમાં વધુ તપાસ અર્થે મુલાકાત કરવાનો હોય એવી માહિતી ઉમરગામના ફાયર વિભાગ દ્વારા આપવામાંઆવી છે જેમાં નિયમનું ઉલ્લંઘન કરનારી ઘણી બિલ્ડીંગો અને શોપિંગ મોલને આવરી લેવામાં આવશે એવું જણાઈ રહ્યું છે.