(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના સરીગામ નજીકના ગામમાં રહેતી યુવતી દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ગામના જ એક યુવાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ લગ્ન કરવા જણાવતા આરોપી યુવાને ના પાડી હતી અને અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હોવાની જાણ કરી જે ઘટનાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના સરીગામ નજીકના એક ગામમાં રહેતા આદિવાસી પરિવારની એક યુવતી ઉંમર વર્ષ 21 ની સાથે ગામમાં જ રહેતા એક યુવાને વર્ષ 2021 માં મિત્રતા કેળવી હતી અને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેણીને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ લગ્ન કરવા જણાવતા આરોપી યુવાને લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી.
જેથી ભોગ બનનાર યુવતીએ આ અંગે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપી યુવાન વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.