સમાજમાં દિવ્યાંગતા વિષે તથા ડાઉન સિન્ડ્રોમ વિષે જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુવઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડના કૈલાસ રોડ સ્થિત જયના અનુપમ એન પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર માનસિક તથા બહુવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળામાં WORLD DOWN SYNDROME DAYની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં દિવ્યાંગતા વિષે તથા ડાઉન સિન્ડ્રોમ વિષે જાગૃતતા લાવવાનો હતો. તમામ બાળકોથી માંડીને તમામે ભૂરા રંગના કપડાં પહેરી તથા “અમારી સાથે, અમારી માટે નહિ..” નો સંદેશ આપ્યો હતો. રેલીને સમાજ સુરક્ષા અધિકારી વિજેન્દ્રભાઈ ગોહિલ તથા શાળાના ટ્રસ્ટી દક્ષેશભાઈ ઓઝા, રેનાબેન શેઠ અને આચાર્ય આશાબેન સોલંકી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રેલી વલસાડના આઝાદ ચોક, ટાવર, એમ.જી. રોડ થી નાના ખત્રીવાડ થી પરત ટાવર સુધી ફરી હતી. રેલીમાં બાળકોએ, વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ રિક્ષાચાલકોને લીંબુ શરબત આપી સમાજની સેવા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રેલી દરમ્યાન બાળકો માટે પાણી, ફુગ્ગા તથા લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલીને સફળ બનાવવવા માટે અરમાબેન દેસાઈ, સોનલબેન મિસ્ત્રી અને જગદીશભાઈ આહિરે બાળકોને સાચવી સેવા આપી હતી. શાળાના આચાર્યા આશાબેન સોલંકી, વાલીઓ અને સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.