મદનવાડ શિવ એપાર્ટમેન્ટમાં સોમવારે રાતે ઘટેલી ઘટના : કોઈ જાનહાની નહી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વલસાડમાં એક પછી એક જર્જરીત મકાનો છેલ્લા કેટલાક દિવસથી ચોમાસામાં તૂટી પડી રહ્યા છે. તેવો વધુ એક બનાવ સોમવારે રાત્રે બન્યો હતો. વલસાડના મદનવાડ વિસ્તારમાં આવેલ શિવ એપાર્ટમેન્ટની જર્જરીત બાલ્કની તૂટી પડતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ શહેરમાં અનેક જર્જરીત એપાર્ટમેન્ટ અને મકાનો છે. તેથી વારંવાર તેવા જર્જરીત મકાનો તૂટી પડવાની ઘટના છેલ્લા કેટલાક સમયથી બનીરહી છે. વલસાડના મદનવાડ વિસ્તારમાં આવેલ 20 થી 25 વર્ષ જુના શિવ એપાર્ટમેન્ટની ફસ્ટ ફલોરની બાલ્કની ગત રાત્રે તૂટી પડી હતી. જેમાં નીચે આવેલ દુકાનના પતરા તૂટી ફૂટી ગયા હતા તેમજ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલ વાહનો પૈકી બે-ત્રણ બાઈક ઉપર કાટમાળ પડતા બાઈકો નુકશાનગ્રસ્ત થઈ હતી. ઘટના સમયે રાત હોવાથી મોટી દુર્ઘટના કે જાનહાની ટળી હતી. નગરપાલિકા દ્વારા સર્વે કરાવી જુની જર્જરીત ઈમારતો હજુ ફરી આગળ તૂટી ના પડે તે માટે નોટિસ કે જરૂરી પગલા લેવાનો સમય પાકી ગયો છે. હજુ બે-ત્રણ દિવસ પહેલાં સુરત સચીનમાં એક આખી ઈમારત ધરાશાયી થઈ હતી. તેમાં અનેક નિર્દોષોનું મોત થયું હતું તેવી ઘટનાનું પુનરાવર્તન વલસાડમાં ના થાય તે માટે સતર્કતા અને સાવચેત રાખવાનો સમય પાકી ગયો છે.