પારડી, પરીયા અંબાચ જેવા ગામોમાં ટ્રક, ડમ્પર,
ટેમ્પા જેવા વાહનોનો ધસારો વધી રહ્યો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: તાજેતરમાં વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા ઉપર 300 થી 400 ટકાનો ટોલમાં ભાવ વધારો થતા ટોલ બચાવવાનો વાહન ચાલકોએ નવો નુશખો શોધી કાઢયો છે. પારડીથી પરીયા, અંબાચ જેવા ગામોમાં થઈ કોમર્શિયલ વાહનો વાપી જીઆઈડીસી પહોંચી રહ્યા છે.
તાજેતરમાં હાઈવે ઉપર થયેલ ટોલના ભાવવધારાનો વિરોધ પ્રથમ દિવસથી થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ એસો. સહિત વાહન ચાલકોએ સાંસદ ધવલ પટેલને મળી રજૂઆત કરી મામલો હાઈવે મંત્રી નિતિન ગડકરી સુધી પણ પહોંચાડયો, પણતેની કોઈ અસર થઈ નથી. શરૂઆતમાં લોકોએ ટોલનાકા ઉપર હંગામો એક-બે દિવસ મચાવ્યો પણ ખરો પરંતુ એ બેઅસર રહ્યો. તેથી વાહન ચાલકોએ અસહ્ય ટોલ બચાવવાનો નવો વિકલ્પ શોધી કાઢયો છે. સુરત, નવસારી, અંકલેશ્વર તરફથી આવતી ટ્રકો, ડેમ્પરો, ટેમ્પાઓ પારડીથી પરીયા, અંબાચ જેવા ગામડાઓના રસ્તેથી વાપી સુધી પહોંચી રહ્યા છે. બીજી તરફ કોમર્શિયલ વાહનોના ગામડાઓમાં થઈ રહેલી અવર જવરથી સ્થાનિક લોકોમાં ચિંતા ઉભી થઈ છે. કે ભારે વાહનો રોડના બેહાલ કરી નાખશે. પહેલા આ રૂટ ઉપર એકલ દોકલ વાહનો પસાર થતા હવે મીની હાઈવે જેવી સ્થિતિ સર્જાવા લાગી છે. દિવસ-રાત ભારે વાહનોથી ગામડાના રોડ ધમધમી રહ્યા છે તેવી ગામડાઓમાં માંગ ઉઠી રહી છે કે ભારે વાહનોને બંધ કરાવવામાં આવે.