(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: ગુજરાત સરકારે સુજલામ સુફલામ્ યોજના 2003 અંતર્ગત આવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ તળાવને ઊંડું કરવામાં આવે, જેથી પાણીનું સ્તર જળવાતા ગ્રામજનોને પાણીની સમસ્યા ન રહે. આ ઉપરાંત ખાણ ખનીજ ખાતાની મંજૂરી લઈને પણ તળાવને ઊંડું કરવાની કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે.
પારડી તાલુકાનાપરિયા ગામમાં આવેલ સર્વે નંબર 313 નું બાવળીયા તળાવનું પણ જે વધારે ડિપોઝિટ ભરે અને સારી કામગીરી કરી તળાવને સુંદર બનાવે તથા ગામના નવ જેટલા કામો કરી આપવાની બાહેંધરીની શરતે આ તળાવ મનોજભાઈ પ્રકાશભાઈ પટેલને સરપંચ દ્વારા ખોદવાની પરવાનગી આપવામાં આવી હતી અને મનોજભાઈએ 10 લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફટ પણ આ કામ અંગે ગ્રામ પંચાયતને આપ્યો હતો.
પરંતુ ગામના જાગૃત નાગરિક એવા રાજીવભાઈ શાંતિલાલ દેસાઈએ આ તળાવને ઉંડું કરવામાં તથા બ્યુટીફિકેશનમાં ગેરરીતી થઈ હોવાનું જણાવી તારીખ 10.8.2023 ના રોજ એક અરજી તાલુકા વિકાસ અધિકારીથી લઈ અન્ય સંબધિત દરેક ખાતામાં કરી હતી જેમાં તેઓએ પરિયા ગામના સરપંચ ડિમ્પલબેન અમિતભાઈ પટેલે ગામના કાર્યો અને ફરજને ધ્યાનમાં લીધા વિના મનસ્વીપણે ગેરકાયદેસર રીતે પોતાની ફરજો બજાવવામાં ગેરરિતી તથા સત્તાનો દુરુપયોગ કરી સરકારના ખરીદ સેવા માટેના ઠરાવની ઉપર જઈ દસ લાખની ડિપોઝિટ લઈ પોતાની રીતે એજન્સી નક્કી કરી તળાવ ખોદવાનું કામ આપી દેવામાં આવ્યું હતું. જેમાં નક્કી થયા મુજબ બાહેંધરી ના નવ કામો કયારે થશે અને કેટલા સમયમાં પૂર્ણ થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત આ તળાવ ઊંડું કરવા માટે કોઈ વર્તમાન પત્રમાંજાહેરાત કે ટેન્ડરિંગ પણ કરેલ નથી તથા પોતાના માનીતા એજન્સીને કે વ્યક્તિને આ તળાવ ઊંડું કરવા માટે આપી દીધેલ છે. આ ઉપરાંત સરકારશ્રીની ઉપરવટ જઈ સરપંચે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 57(1) નો ભંગ કરેલ હોય આ અરજી અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી વલસાડના અતીરાગ ચપલોતે પરિયા ગામના સરપંચ ડિમ્પલબેન અમિતભાઈ પટેલને સરપંચના હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કર્યો હતો. 30 દિવસની મુદતની અંદર સરપંચ ડિમ્પલબેન વિકાસ કમિશનરની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને આ અંગેની અપીલ કરી શકશે.