મોડી રાત્રે અતુલ કંપનીમાં નોકરી કરી પરત ઘરે ફરતા યુવાનને નડ્યો અકસ્માત![](https://proactii.com/VartmanPravah/upload_data/images/News%20Description/WhatsApp_Image_2023-07-05_at_7.03.40_PM.jpeg)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.05: પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ખડકીપાસે એક અજાણ્યા વાહન ચાલકે ગત મોડી રાતે મોટર સાયકલને અડફેટમાં લઈ ઘટના સ્થળે મોટર સાયકલ સવારનું મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો.
સુરત ઓલપાડના મહાવીર રો-હાઉસ ખાતે ધનલક્ષ્મી સોસાયટીની બાજુમાં રહેતો અને છેલ્લા ત્રણ મહિનાથી અતુલ લિમિટેડ કંપનીમાં નોકરી કરી વાપી નામધા ખાતે રહેતો મિહિર બળવંતભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 26 ગત મંગળવારની મોડી રાત્રિએ અતુલ કંપનીમાંથી નોકરી કરી પરત સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે 05 એફવાય 1899 લઈ વાપી નામધા પોતાના ઘરે જઈ રહ્યો હતો.
આ દરમ્યાન પારડી ખડકી નેશનલ હાઈવે નંબર 48 પર એક અજાણ્યા ટ્રક જેવા વાહને મિહિરની મોટર સાયકલને અડફેટે લઈ મિહિરનું ઘટના સ્થળે મોત નીપજાવી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ જિલ્લા ટ્રાફિકની પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સર્જાયેલો ટ્રાફિક જામ હળવો કરી મિહિરનો મૃતદેહ ઓરવાડ પીએચસી ખાતે મુકવામાં આવ્યો હતો. આ મામલે પારડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.