પ્રશાસન અને કુદરતી આફતને લઈ અંતરિયાળ વિસ્તારોની
સ્થિતિ દયનીય બની ચૂકી છે
(વર્તમન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વલસાડ જિલ્લામાં વરસાદે વરવી સ્થિતિ જ્યાં ત્યાં સર્જી છે. ધરમપુર, કપરાડા જેવા વિસ્તારોના લો લેવલ પુલ અને કોઝવે વરસાદી પાણીમાં ડૂબી ગયા છે ત્યારે અનેક ગામોમાં અંતિમ ક્રિયા કરવાની મહા મુસીબતો સર્જાઈ રહી છે. આજે ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામે માન નદીના પુલ ઉપરથી એક મહિલાની અંતિમ યાત્રા ડૂબી ગયેલા પુલ ઉપરથી લોકોએ જીવના જોખમે કાઢી હતી.
વલસાડ જિલ્લામાં તમામ નાની મોટી નદીઓ બે કાંઠે અત્યારે વરસાદને લઈ વહી રહી છે તેથી અનેક ગામોના પુલ-કોઝવે પાણીના વહેણમાં ડૂબી ચૂક્યા છે. અનેક ગામોના રસ્તા બંધ થઈ ચૂક્યા છે તેથી સંપર્ક વિહોણા બની ગયા છે. આવી વિષમ સ્થિતિ આજે ધરમપુરના સિદુમ્બર ગામે સર્જાઈ હતી. ગામના ભટાડી ફળીયા અને નિશાળ ફળીયાને જોડતો માન નદી ઉપર પૂલ આવેલો છે. લો લેવલનો પુલ નદીના પાણીમાં ડૂબી ગયો છે. તેમ છતાં ગામ લોકો એક મહિલાની અંતિમ યાત્રા ડૂબેલા પુલના પ્રવાહ વચ્ચે ચાલીને કાઢવા લાચાર બન્યા હતા. ધરમપુર, કપરાડાના અનેક ગામોમાં ક્યાંક સ્મશાનની વ્યવસ્થા નથી તેવા ગામોમાં ચાલું વરસાદે પ્લાસ્ટીક વિગેરે ઢાંકી અગ્નિ સંસ્કાર કરવાના બનાવોપણ બન્યા છે. પ્રશાસનિક અને કુદરતી આફત વચ્ચે આમ સામાન્ય માણસ ભોગ બની રહ્યો છે.