વલસાડઃ તા.૨૪ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામે કાર્યરત વન સેવા મહા વિદ્યાલયના ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળની ગ્રાન્ટમાંથી રૂ. ૧૫ લાખના ખર્ચે નિર્માણ થનારા મકાનનું ખાતમુહૂર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બી.આર.એસ. કોલેજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું છે, એના માટે આ કોલેજ ઉત્તમ સાધન બની રહેશે. એ દિશામાં સતત આગળ વધશે તો આ સંસ્થા સંપૂર્ણપણે સ્વનિર્ભર બની જશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. હવે પછી વિદ્યાથીર્ઓને કોલેજમાં કોઇ તકલીફ ન પડે તેવા તમામ પ્રયાસો હાથ ધરવાની ખાતરી તેમણે આપી હતી. મંડળના પ્રમુખ માધુભાઇ રાઉત અને તેમની ટીમે સંસ્થાના વિકાસ માટે કરેલા અવિરત પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.
આ અવસરે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતી વિસ્તારના બાળકોની કોલેજમાં ભૌતિક સુવિધાઓની માંગણી રાજ્ય સરકારે પુરી કરી છે. અન્ય માગણીઓ તબક્કાવાર આવરી લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. વીર નર્મદ યુનિવર્સિટી સુરતના ડીન દિનેશભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામ વિદ્યાલય ગામડાનું હાર્દ છે, જેનો વધુ વિકાસ થાય અને જરૂરી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ગ્રામ સેવા મંડળના પ્રમુખ માધુભાઈ રાઉતે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી મંડળ અને કોલેજની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. વન સેવા મહા વિદ્યાલયની બાળાઓએ પ્રાર્થના, સ્વાગત અને પ્રકૃતિ ગીત રજૂ કર્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાનાપોંઢા હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ પટેલે કર્યું હતું. આભારવિધિ આચાર્ય ઠાકોરભાઈ એન.ચૌધરીએ એ આટોપી હતી. આ અવસરે ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, કારોબારી ચેરમેન ગુલાબભાઈ રાઉત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા, કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.