જે તે સફાઈ કામદારે પાલિકા અથવા ગ્રામ પંચાયતનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લામાં ‘‘ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેંટ એજ મેન્યુઅલ સ્કરવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ-2013નો અસરકાર રીતે અમલીકરણ થાય તેના અનુસંધાને જિલ્લામાં હજુ પણ કયાંક હાથથી મેલુ ઉપાડવાનું કામ થતું હોય તો તેને રોકવા માટે સરકારશ્રી દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા સર્વે સમિતિ-વ-જિલ્લા કલેકટરશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું કે, સફાઈ કામદારો હાથથી તેમજ માથેથી મેલુ ઉપાડતાં હોય તેવા સફાઈ કામદારોના સર્વેની કામગીરી ચાલુ હોય દિવસ-07માં શહેરી વિસ્તારમાં રહેતા લોકોએ નગરપાલિકાની કચેરીમાં સેનેટરી ઈન્સ્પેકટર (એસ.આઈ.) અથવા નગરપાલિકા તરફથી નક્કી કરેલા કર્મચારીનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ ગ્રામ પંચાયતકચેરીનો સંપર્ક કરવાનો રહશે. જો નક્કી કરેલી સમય મર્યાદામાં અરજદાર નગરપાલિકા/ગ્રામ પંચાયતમાં રજૂઆત નહીં કરશે તો ત્યાર બાદ પુનઃ સર્વેની કામગીરી કરવામાં આવશે નહીં જેની નોંધ લેવી. વધુમાં જણાવવાનું કે, આ સર્વેનો હેતુ કોઈપણ પ્રકારની લોન આપવા કે અન્ય સહાય આપવા માટેનો નથી, પરંતુ જે સફાઈ કામદારો હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડતાં હોય તેવા સફાઈ કામદારોને આ કામગીરીમાંથી મુક્ત કરવાનો હોય તેવા જ સફાઈ કામદારોએ નગરપાલિકા/ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે અને તેઓ કઈ જગ્યાએ હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડે છે. તેના પુરાવા સાથે નગરપાલિકા/ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે.