(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: તાજેતરમાં જ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કવિ શ્રી દિલીપ ધોળકિયા ‘‘શ્યામ” દ્વારા સંપાદિત ‘‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા” રેકોર્ડ વિજેતા ‘‘મહા મહિમાવંત ગિરનાર” કાવ્ય સંગ્રહનું લોકાર્પણ રૂપાયતન, ગિરનાર તળેટી, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત ગિરનાર પર લખાયેલ ગુજરાત, મુંબઈ અને વિશ્વના કુલ 737 કવિઓનાં કાવ્યોમાંથી 111 કવિઓનાં 151 કાવ્યોનો સમાવેશ થયેલ છે.
જેમાં કવયિત્રી, લેખિકા અને વક્તા તેમજ વલસાડની બાઈ આવાંબાઈ હાઈસ્કૂલના માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતાં શિક્ષિકા દર્શના કનાડા માળીની રચનાનો સમાવેશ થવા બદલ તેમને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તરીકે મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના વરદ્ હસ્તે અને પ્રા.ડૉ.ચેતન ત્રિવેદી, કુલપતિ શ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ, જુનાગઢ મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી ગિરીશ કોટેચા, સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રી ડૉ. સતીન દેસાઈ ‘‘પરવેઝ દીપ્તિ ગુરુ”, શ્રી હેમંત નાણાવટી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી, રૂપાયતન જુનાગઢ, શ્રી પ્રા. ડૉ. પ્રદ્યુમન ખાચર, જાણીતા ઇતિહાસ વીદ્ અને સંશોધક, જાણીતા કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી ‘‘હાકલ”,ઉપાધ્યક્ષ, ગાંધીનગર સાહિત્ય સભા, સુ.શ્રી ઇવા પટેલ, અધ્યક્ષ, નવસર્જન સાહિત્ય મંચ, અમદાવાદ, શ્રી ભાનુપ્રસાદ એસ દવે, જાણીતા ઉદ્ધોષક અને કર્મશીલ, ગાંધીનગર, કવિ શ્રી નિરંજન શાહ ‘‘નીર” ગાંધીનગર, શ્રી પાવન સોલંકી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા અમદાવાદ, સુ. શ્રી જયશ્રી પટેલ જાણીતા લેખિકા અને કવયિત્રી, રંગ સાહિત્ય સર્જન તથા મુંબઈ અને ગુજરાતના અનેક જિલ્લામાંથી પધારેલા 55 જેટલા કવિ/ કવિયિત્રીઓની પાવન ઉપસ્થિતિમાં કાવ્ય સંગ્રહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંકલન સુ શ્રી ઈવા પટેલ દ્વારા, કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત રૂપાયન સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રા. રમેશ મહેતા દ્વારા, કાર્યક્રમનું સફળ સંચાલન વિજય મહેતા દ્વારા તેમજ આભારવિધિ દિલીપભાઈ ધોળકિયા ‘‘શ્યામ” દ્વારા કરવામાં આવેલ હતી.
દર્શનાબહેન ગદ્ય અને પદ્ય બંને લખે છે. લેખન ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓમાં અને સ્પર્ધાઓમાં તેઓ અવારનવાર નંબર અને સર્ટિફિકેટો પ્રાપ્ત કરતાં રહે છે. તેમની ઘણી કળતિઓ સમાચાર પત્રોમાં પણ પ્રકાશિત થયેલ છે. આ તબક્કે તેમણે પોતાનું, પરિવારનું, સમાજનું, શાળાનું અને જિલ્લાનું નામ ઉજ્જવળ કરેલ છે.
