(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21: વલસાડ એલસીબી ટીમના પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ અને રજનીકાંત ગત રાત્રે પારડી હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સેલવાસથી એક આઈ20 કાર નં.જીજે-15-સીબી-0964માં દારૂનો જથ્થો ભરી બુટલેગર આવી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ પારડીના ડુમલાવ ગામે ભવાની માતાજીના મંદિર આગળ વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાતે સાડા બારેક વાગ્યે બાતમી વાળી કાર ત્યાંથી પસાર થતા પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે કારને પૂરપાટ ઝડપે ખેરલાવ રોડ પર હંકારી મૂકી હતી. જેનો પોલીસે પીછો કરતાં કાર ખેરલાવ પ્રાથમિક શાળા પાસે વળાંક વાળા રોડ પરથી નીચે ઉતરી જતા કાર ચાલક રિષભ ગોપાલ દુબે રહે.સલથાણા પાટીશાળા પલસાણા સુરત કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે આઈ20 કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 930 જેની કિંમત રૂ97,600/-નો જથ્થો મળી આવતા રૂા.3,00,000ની કાર મળી 3,97,800નો મુદ્દામાલજપ્ત કરી ભાગી છૂટેલો રિષભને વોન્ટેડ જાહેર કર્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને આ કારમાંથી અન્ય બે નંબર પ્લેટો જીજે-27-બીએલ-9482 નંબર લખેલી મળી આવી હતી. જેને લઈ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું પણ બહાર આવ્યું હતું.