સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે ‘દીવ બીચ ગેમ્સ-2024’નો લોગો, જર્સી, માસ્કોટ અને વેબસાઈટ લોન્ચ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.18 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિશા-દોરવણી અને પહેલથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન આગામી 4 જાન્યુઆરીથી ‘દીવ બીચ ગેમ્સ-2024’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહેકે, ભારતમાં મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આ પ્રથમ વખત આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પ્રથમ વખત મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન દીવમાં કરવામાં આવી રહ્યું છે જે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ગૌરવની બાબત છે.
સંઘપ્રદેશ પ્રશાસનની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ઘોઘલા બીચ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે ‘દીવ બીચ ગેમ્સ-2024’ના લોગો, માસ્કોટ, જર્સી અને વેબસાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે 7 દિવસ ચાલનારા આ ‘દીવ બીચ ગેમ્સ-2024’નો પ્રારંભ આગામી 4 જાન્યુઆરી, 2024થી શરૂ થશે જે 11 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે. આ ‘દીવ બીચ ગેમ્સ-2024’માં 20થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 1200થી વધુ ખેલાડીઓ રમતોમાં ભાગ લેશે. આ ગેમ્સમાં સમાવિષ્ટ રમતોની સંખ્યા 08 છે, જેમાં બીચ વૉલીબોલ, પેંચક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર, મલખંભ, બીચ કબડ્ડી, ઓશન સ્વિમિંગ(સમુદ્રમાં તરવાનું) અને ટગ ઓફ વોરનો સમાવેશ થાય છે. આ ગેમ્સની શરૂઆત ઘોઘલા બીચ પર ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થશે અને 11 જાન્યુઆરી, 2024ના રોજ આઈ.એન.એસ. ખુકરી, દીવ ખાતેરંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપ્ત થશે.
આ ઈવેન્ટનો લોગો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેમાં લાઇટ હાઉસ, બીચ અને વારલી કલાનો સમાવેશ થાય છે. માસ્કોટને પ્રેમથી ‘પર્લ’ નામ આપવામાં આવ્યું છે, જે દીવના દરિયામાં જોવા મળતી ડોલ્ફિનનું કાલ્પનિક રૂપાંતરણ છે. તે રમત દરમિયાન ચપળતા, બુદ્ધિ અને વ્યૂહાત્મક કુશળતાનું પ્રતીક છે.
આજના લોન્ચિંગ સમારોહ પ્રસંગે પ્રશાસકશ્રીએ ઉપસ્થિત તમામને જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે આયોજનથી બીચ ગેમ્સની સંસ્કૃતિનો વિકાસ થશે, કેન્દ્ર શાસિત પ્રદેશની રમત પ્રતિભાઓને પ્રોત્સાહન મળશે અને કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રવાસન ક્ષમતામાં ઔર વધારો થશે. ઉપરાંત આ ઇવેન્ટ સ્થાનિકો અને પ્રવાસીઓને સમાન રીતે આકર્ષિત કરશે. ગેમ્સમાં ભાગ લેનારા સ્પર્ધકો બીચની પ્રાકૃતિક સુંદરતાથી આકર્ષિત થશે જે સ્થાનિક વ્યવસાયોને ખીલવા માટેનું પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે અહીં ‘દીવ બીચ ગેમ્સ-2024’નું આયોજન કોઈ સામાન્ય ઘટના નથી. દીવ માટે આ એક ઐતિહાસિક અવસર છે.
પ્રશાસકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા યુવાનો જ દેશને સાચી દિશા આપી શકે છે અને આ માટે તેઓએ શરીર અને મનથી તંદુરસ્તરહેવું પડશે. માટે આ રમત જ યુવાનોને ફિટનેસ આપશે.
આ પ્રસંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં આમજનતા ઉપસ્થિત રહી હતી.