માતા-દીકરીનો મેળાપ થતા ભાવુકતાસભર દ્રશ્યો સર્જાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ રેલવે સ્ટેશન પર છેલ્લા એક અઠવાડીયાથી ગર્ભવતી મહિલા તેની દીકરી સાથે બેસી ભીખ માંગતી હતી જેઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવતા પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું.
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં તાં 31/07/2024 ના રોજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પૂજાબેન અને તેમની દીકરી પરી (બંનેના નામ બદલ્યા છે) ને આશ્રય માટે લાવવામાં આવ્યા હતા. સેન્ટરના કમર્ચારી દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરતા માલૂમ પડ્યુ કે, તેણી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના તાણસી ગામની વતની છે. તેના લગ્ન રાજકોટ થયા હતા પરંતંું પતિ સાથે વારંવાર ઝગડો થતાં એક વર્ષ પહેલા ડિવોર્સ થતા પિયરમાં રહેતી હતી ત્યાં પણ માતા સાથે વારંવાર ઝગડો થતાં દીકરી પરીને લઈ મુંબઈ જતી રહી હતી ત્યાં તેની મુલાકાત રાકેશ (નામ બદલ્યું છે) નામનાવ્યક્તિ સાથે થતા અવાર-નવાર મુલાકાત થતાં પ્રેમ સંબંધ બંધાતા લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા હતા. પૂજા ગર્ભવતી બનતા રાકેશ સાથે ઝગડો થતાં તા.24/07/2024ના રોજ ગુસ્સામાં દીકરી પરીને લઈ મુંબઈ થી વલસાડ આવી ગઈ હતી. એક અઠવાડિયાથી રેલવે સ્ટેશન પાસે બેસી ભીખ માંગીને ખાતી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા પૂજાબેનને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપી દીકરી સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં બંનેનું ચેકઅપ કરાવતા દીકરી પરીને બોલવામાં તકલીફ પડતા સ્પીચ થેરેપીની જરૂર છે જ્યારે પૂજાબેનની તપાસ કરતા આઠ માસની ગર્ભવતી હોવાનું જણાયું હતું. જેથી બંનેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ કરાવી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરના કમર્ચારી દ્વારા પૂજાબેનનું વધુ કાઉન્સેલિંગ કરતાં તેમના પાસેથી રાકેશનો મોબાઈલ નંબર મળતા ટેલીફોનિક સંપર્ક કર્યો ત્યારે રાકેશે કહ્યું કે, પૂજા અને દીકરી પરી સાથે કોઈ સંબંધ રાખવો નથી અને પૂજાના પેટમાં જે બાળક છે એ પણ મારુ બાળક નથી. બાદમાં પૂજાના માતા અને બહેનનો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓ તા.11/08/2024 ના રોજ લેવા આવતા ભાવુક થઈ ગયા હતા. માતાએ જણાવ્યું કે, હું મારી દીકરી અને દોહિત્રીને ઘરે લઈ જવા માંગુ છું. કેન્દ્ર સંચાલક દ્વારામહિલાના પરિવારજનોની ખાતરી કર્યા બાદ પુનઃ મિલન કરાવતા પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરની પૂરી ટીમનો આભાર માન્યો હતો.