આજ કાલ સૌ બહારના ભપકાથી અંજાય જાય છે. પત્રકારો પણ કોઈ અભિનેતા કે પ્રતિષ્ઠિતોને તેઓના પરિવેશનું વર્ણન કરી નવાજે છે, તે ખોટું નથી પરંતુ પરિવેશ કરતાં તેમનામાં રહેલાં ગુણો પર વિશેષ ભાર મૂકવો જરૂરી છે
હૈદરાબાદ રજવાડાના સાતમાં અને છેલ્લા નિઝામ શાસક મીર ઉસ્માન અલી ખાન (1911-1948), તેમના વૈભવ માટે પ્રખ્યાત હતા. તેમની પાસે આજના મૂલ્ય પ્રમાણે આશરે સત્તર કરોડ રૂપિયા, ભવ્ય મહેલો અને કિંમતી ઝવેરાતો હતી. તેઓ વિદેશી કારોના ભારે શોખીન હતાં. નિઝામ બેન્ટલી, ડેઈમલર અને કેડિલેક જેવાં મોંઘા મોડલ સહિત 200 થી વધુ કારના માલિક હતા.
1937માં નિઝામે કેટલીક કાર ખરીદવા માટે લંડનમાં રોલ્સ-રોયસ શોરૂમની મુલાકાત લીધી હતી. ભારતીય પરિવેશથી સજ્જ નિઝામને શોરૂમના સેલ્સમેને એક મધ્યમવર્ગી માણસ તરીકે જ જોયા. આમે ય એ સમય ભારત અંગ્રેજ હકૂમત હેઠળ હતું. એ દિવસોમાં રંગભેદની નીતિ ચરમ સીમાએ પહોંચેલી. એમાં વળી અંગ્રેજો તો ભારતીયોની ‘સ્નેક ચાર્મર’ – સાપને લઈને ફરતાં મદારી સાથેની હાસ્યાસ્પદ તુલના કરતાં. અંગ્રેજો માટે હિન્દુસ્તાની ગુલામથી વશેષ કંઈ પણ નો’તા. ભારતીય પ્રત્યે ભારોભારનકારાત્મક ધરાવતા પેલાં સેલ્સમેનને નિઝામની ગરિમા ન જ હોય તે સ્વાભાવિક હતું. તેથી તે સેલ્સમેને પૂર્વગ્રહથી કટાક્ષની ભાષામાં નિઝામને કહ્યું, ‘તમે ગરીબ ભારતીયોને રોલ્સ રોયસ નહીં પરવડે! જોવું અને ખરીદવામાં બહુ ફરક છે. તમે કોઈ બીજી કંપનીની કાર ખરીદો જે તમારાં બજેટને યોગ્ય હોય.’
અણધાર્યા સેલ્સમેનના અપમાનજનક શબ્દોથી નિઝામ સ્તબ્ધ થઈ ગયા. તેમણે એક પણ હરફ ઉચ્ચાર્યા વિના શાંતિથી શોરૂમ છોડી દીધો. વાત સહનશક્તિની નો’તી પરંતુ આત્મસન્માનની હતી!
અપમાનના ઘૂંટડાની નિઝામની ઊલટી રોલ્સ રોયસ કંપનીને ભારે પડી જવાની હતી તે પેલાં સેલ્સમેનને કયાંથી ખબર હોય?
ભારત આવ્યા પછી નિઝામે તેમના મંત્રીને દશ રોલ્સ રોયસ, સાત બેન્ટલી અને બે ડેઈમલર કાર ખરીદવાનો આદેશ આપ્યો. રોલ્સ-રોયસના આ બધાં ગોલ્ડ પ્લેટેડ મોડેલો આઇવરી હેન્ડલ અને તેના દાગીના માટે ખાસ કમ્પાર્ટમેન્ટની અનન્ય સુવિધાઓ સાથે કસ્ટમાઈઝ્ડ કરવામાં આવ્યા હતાં. કહેવાય છે કે એ દાયકામાં રોલ્સ રોયસના સૌથી મોટા ગ્રાહકોમાંના એક નિઝામ હતા!
જ્યારે રોલ્સ-રોયસના આ બધાં ગોલ્ડ પ્લેટેડ મોડેલોની ડિલવરી હૈદરાબાદમાં થઈ ત્યારે નિઝામે તેની બધી કારોને લાઈનમાં પાર્ક કરાવી ‘ગરીબ ભારતીયો માટે’ એવુંએક વ્યંગાત્મક બોર્ડ મારવ્યું! નિઝામ એટલેથી અટકયાં નહીં. નિઝામે એક અનોખો બદલો લેવાની વ્યૂહરચના તરીકે હૈદરાબાદનો કચરો ભેગો કરવા પોતાની રોલ્સ રોયસ પાછળ કચરાનું ટ્રેલરને બાંધ્યું! નિઝામને તો રોલ્સ રોયસ કંપનીને એટલો જ સંદેશો પાઠવવો હતો કે, ‘તમે ધારો એવો હું ગરીબ છું, પરંતુ રોલ્સ-રોયસના બહુવિધ મોડલો મને પરવડી શકે છે. વળી તમારાં દ્વારા થયેલું અપમાન મારાં માટે – ખાસ તો ભારતીયો માટે ‘કચરાપેટી’થી કાંઈ વિશેષ નથી!’
નિઝામનો તર્કબદ્ધ બદલો કારગત નિવડ્યો. આ ઘટનાએ વિશ્વમાં ચકચાર ફેલાવી દીધો. નિઝામના આ વિશિષ્ટ પ્રકારના સંદેશાથી રોલ્સ રોયસ કંપનીના અધિકારીઓ ક્ષોભિત થઈ ગયા. કંપનીના સેલ્સમેન દ્વારા નિઝામના અપમાનનું આ ફળ છે તે જાણી કંપનીના તત્કાલીન મેનેજીંગ ડાઈરેક્ટર અર્નેસ્ટ હાઇવ્ઝે ખેદપૂર્વક માફી માંગતો પત્ર લખી નિઝામને 3DL70 ચેસીસ નંબરવાળી કસ્ટમાઈઝ્ડ રોલ્સ-રોયસ ફેન્ટમ III ભેટમાં આપી જે ગોલ્ડ પ્લેટેડ તો હતી જ પરંતુ તેને નિઝામની એમ્બોસ્ડ ક્રેસ્ટથી સુસજ્જ કરવામાં આવી!
જો કે નિઝામે પણ ઉદાર દિલે કંપનીને માફ કરી તેમની ભેટ સ્વીકારી. આ પ્રસંગ પછી રોલ્સ રોયસ કંપનીએ ભારત પ્રત્યેનો અભિગમ બદલ્યો! (આ પ્રસંગ 1920ની સાલમાંઅલવરના મહારાજા જયસિંહ સાથે બન્યો હતો. એવો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.)
આજ કાલ સૌ બહારના ભપકાથી અંજાય જાય છે. પત્રકારો પણ કોઈ અભિનેતા કે પ્રતિષ્ઠિતોને તેઓના પરિવેશનું વર્ણન કરી નવાજે છે, તે ખોટું નથી પરંતુ પરિવેશ કરતાં તેમનામાં રહેલાં ગુણો પર વિશેષ ભાર મૂકવો જરૂરી છે.
પ્રમુખ સ્વામી મહારાજ 5 ઓક્ટોબર, 2000ના રોજ વેટિકન સિટી ખાતે પોપ જોન પોલ ત્ત્ ને મળ્યા તે પૂર્વ સંધ્યાએ એક પત્રકારે સ્વામીજીને સહજતાથી પૂછયું, ‘કાલનો દિવસ ઈતિહાસમાં અમર થઈ જવાનો છે. કારણ કે એક હિંદુ ધર્મગુરૂ અને કેથોલિક પોપ વચ્ચેની પ્રથમ મુલાકાત થવાની છે. વિશ્વ તે મુલાકાતને આંતરધર્મ સંવાદ અને સમજણનું એક મહત્વપૂર્ણ પગલું ગણે છે. પોપ પણ આપને મળવા ખૂબ ઉત્સુક છે. અમારી માહિતી મુજબ તેઓ આ મુલાકાત દરમ્યાન એક વિશિષ્ટ રોબ ધારણ કરવાના છે! આપ કાલે શું પહેરશો?’
અણધાર્યા આ પ્રશ્નને સાંભળી પ્રમુખ સ્વામીજીએ સ્મિત સાથે પોતાનાં પહેરેલા ભગવા વષાો પર હાથ પ્રસરાવી કહ્યું, ‘આ જ ડ્રેસ! અમારે મન પહેરવેશ કરતાં ધર્મ – સંવાદિતા અગત્યની છે!’
વ્યક્તિની મહત્તા બહારના આટાટોપથી નથી પરંતુ આંતર વૈભવથી છે એ ભુલાવું ન જોઈએ. ભગવાધારી સ્વામી વિવેકાનંદને ઘણી બધી વિનંતીકર્યા પછી શિકાગો ધર્મ-પરિષદમાં પાંચ મિનિટ માટે વક્તવ્ય માટે પરવાનગી મળેલી. ‘ભાઈઓ તથા બહેનો..’ તેમના સંબોધનની આ પ્રભાવક લાઈને અમેરિકન પ્રજાને હેરતમાં મૂકી દીધી! તાળીઓનો ગડગડાટ લગભગ પાંચ મિનિટ ચાલ્યો! સમય પૂરો થતાં સ્વામીજી બેસી ગયા! વ્યવસ્થાપકોને પોતાની ભૂલ સમજાઈ. ત્યારબાદ તેમને પ્રવચન માટે પૂરતો સમય આપવામાં આવ્યો.
આઠ અંગે વાંકા અષ્ટાવક્ર ઋષિ પણ જનક વિદેહીનું હાસ્યપાત્ર બનેલા પરંતુ તેમના આત્મજ્ઞાનની છણાવટથી મોટાં વિદ્વાનો પણ હેબતાઈ ગયેલાં.
‘Don’t judge a book by its cover.’ પુસ્તકનું મૂલ્ય તેના આકર્ષક કવરથી થતું નથી!
ફક્ત બાહ્ય દેખાવના આધારે થયેલું કોઈનું મૂલ્યાંકન ભૂલ ભરેલું જ હોય છે. વ્યક્તિનું સાચું મૂલ્યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી. હીરો એ હીરો છે, ભલે તે ધૂળમાં ઢંકાયેલો હોય! વિદેશોમાં ભારતની ગરિમાને લાંછન લગાવે એવાં વક્તવ્યો આપનાર કહેવાતાં પ્રતિષ્ઠિતો નિઝામના વલણને અપનાવશે ખરા? આ પ્રસંગ 1920ની સાલ માં અલવરના મહારાજા જયસિંહ સાથે બન્યો હતો. એવો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.