પ્રદેશમાં 40 ટકાથી વધુ ટીબીના રોગીઓમાં નોંધાયેલો ઘટાડો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે નવી દિલ્હી ખાતે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને ક્ષય રોગ(ટી.બી.)ને મુક્ત કરવા કરેલા પ્રયાસ અંતર્ગત સિલ્વર મેડલથી સન્માનિત કરાતાફરી એકવાર પ્રદેશની આરોગ્ય સેવાનો ડંકો રાષ્ટ્રીય સ્તરે વાગ્યો છે.ગયા વર્ષે પણ સંઘપ્રદેશ પ્રશાસનને ટીબી નાબુદી માટે ત્રણ પારિતોષિક મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને પહેલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના ટીબી વિભાગે કરેલા શ્રેષ્ઠ પ્રયાસોના પરિણામ સ્વરૂપ રોગીઓમાં 40 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. સંઘપ્રદેશના આરોગ્ય સચિવ ડો.એ.મુથમ્માના નેતૃત્વમાં આરોગ્ય વિભાગની ટીમે કરેલા સંકલિત કામનું ફળ પણ મળ્યુ છે. હવે સંઘપ્રદેશ પ્રશાસને 2023 સુધીમાં પ્રદેશને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે.
આજે દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર શ્રી સુરેશ મીણા અને રાજ્ય કાર્યક્રમ અધિકારી ડો.મનોજ સિંહે પુરષ્કાર સ્વીકાર્યો હતો.
પ્રશાસન અને ટીબી વિભાગે પ્રદેશમાં ઘરે ઘરે જઈ ટીબી શોધ અભિયાન, ટીબીના દર્દીઓને પ્રોટીન પાવડર, એર બોર્ન ઈન્ફેક્શન કંટ્રોલ કિટનું વિતરણ થતા દર્દીના પરિવારના દરેક સભ્યોનું ટીબી પરિક્ષણ અને ઈલાજ કરાતા પ્રદેશમાં ટીબીના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે.