ટેન્કર હજીરાથી પેટ્રોલ ભરી વાપી તરફ આવી રહ્યું હતું : ચાલકનો આબાદ બચાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: પારડી હાઈવે ઉપર ગુરુવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક પેટ્રોલ ભરેલું હેવી ટેન્કર ખાડામાં પટકાતા દોડધામ મચી જવા પામી હતી.
પારડી હાઈવે ઉપર પેટ્રોલ પમ્પની સામે હજીરાથી પેટ્રોલ ભરીને વાપી તરફ જઈ રહેલું હેવી ટેન્કર નં.જીજે 06 3332 ના ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર ખાડામાં પટકાયું હતું. અકસ્માતમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. સદ્દનસીબે હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ પેટ્રોલ ટેન્કરમાંથી પેટ્રોલ લીકેજ નહોતું થયું. નહીતર મોટી હોનારત સર્જાઈ જાત તેથી હોનારત ટળી હતી. આગળની કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી હતી.
હાઈવે ઉપર વિચિત્ર અકસ્માતો સર્જાતા રહે છે. આ અકસ્માતમાં ખાડો ના હોત તો ટેન્કર સીધુ પેટ્રોલ પમ્પમાં ઘૂસી જાય તેવી ગંભીર પરિસ્થિતિ પણ ઉભી થવા પામી હતી.