સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદઃ દમણ પોલીસ માટે રાત-દિવસ ટ્રાફિકથી ધબકતા રહેતા મુખ્ય રોડ ઉપર થયેલી ચોરી પડકાર
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23: નાની દમણના ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનમાં ગતરાત્રિએ તસ્કરોએ શટરનું તાળુ તોડી અંદર પ્રવેશી ગલ્લામાં મુકેલા રૂા.3 લાખ 35 હજારની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ આબાદ રીતે ઝડપાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખારીવાડના આકાર મોટરની બાજુમાં આવેલ કરિયાણાના દુકાનના માલિકે પોતાના સમાજના પૈસા અને દુકાનનો વકરો ગલ્લામાં રાખી રાત્રે પોતાના ઘરે ગયા હતા.
વહેલી પરોઢના લગભગ 3:00 વાગ્યાના આસપાસ બે ચોરોએ શટરનું તાળુ તોડી એક અંદર પ્રવેશ્યો હતો અને એક બહાર રહ્યો હતો. ગલ્લો સફાચટ્ટ કર્યા બાદ બંને ચોરો રફૂચક્કર થઈ ગયા હતા. રાત-દિવસ ધબકતા રહેતા વાપી-દમણ રોડ ઉપર આવેલ દુકાનના શટર તોડી ચોરી થવાની ઘટના દમણ પોલીસ માટે હવે પડકાર બની છે.