સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા : નદીઓ બે કાંઠે વહેતા અનેક કોઝવે ડૂબ્યા, ચારે તરફ માનવ લાચાર બન્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: સામાન્ય રીતે શ્રાવણીયો વરસાદ ઝરમર ઝરમર હોય તેવું કહેવાય છે પરંતુ આ ચોમાસામાં બધા ગણીત ખોટા પડી રહ્યા છે. આજે શનિવારે વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ દિનભર વરસતો રહ્યો હતો.
વલસાડ જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ હવામાન ખાતાની આગાહી મુજબ છેલ્લા 48 કલાકતી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમાં શનિવારે તોજિલ્લાના તમામ તાલુકાઓમાં એવરેજ 5 થી 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતા અનેક કોઝવે પાણીમાં ડૂબી ગયા હતા. સારંગપુરથી પીઠા જવાના રસ્તા વચ્ચે વહેતી ઔરંગા નદી બે કાંઠે વહેતા કોઝવે ડૂબી ગયો હતો. તેથી લોકોની અવર જવર બંધ થઈ હતી. વરસાડ પહોંચવા 15 કિ.મી.નો ચકરાવો લેવો પડી રહ્યો છે. શનિવારે અતિશય વરસેલા વરસાદને લઈને ધરમપુર સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવેના રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનો દોઢ થી બે ફૂટ રોડ ઉપર ભરાયેલા પાણી વચ્ચે ટ્રાફિક માંડ માંડ ચાલી રહ્યો હતો. 3 વ્હિલર માટે તો ડ્રાઈવિંગ જોખમી બની રહ્યા હતા. હજુ આગામી બે દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર જેવા શહેરી વિસ્તારો પણ અતિશય વરસાદથી બજારોમાં પાણી ફરી વળ્યા હતા. શ્રાવણીયો વરસાદ વલસાડ જિલ્લામાં ઝરમરીયો નહી પણ અતિવૃષ્ટિમાં ફેરવાયેલો નજારો સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે.