ટેબલ ટેનિસમાં મેન્સ ઓપન શ્રેણીમાં દીપ ભંડારીએ મેળવેલું પ્રથમ સ્થાનઃ વુમન્સ ઓપન શ્રેણીમાં પ્રથમ સ્થાને રહેલા સિદ્ધિ બલ્સરા
લંગડી અંડર-19ની સ્પર્ધામાં જી.એચ.એસ.એસ. સ્કૂલ ઝરીએ મેળવેલો પ્રથમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતિના અવસરે‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ના ઉપલક્ષમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરૂણ ટી.ના માર્ગદર્શનમાં અને પ્રવાસન અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણ, દીવ અને દાદરા નગર હવેલી એમ ત્રણેય જિલ્લામાં રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ રાષ્ટ્રીય રમત-ગમત દિવસના ઉપલક્ષમાં દમણમાં ટેબલ ટેનિસ(ઓપન મેન્સ અને વુમન્સ) અને લંગડી (અંડર-19 ગર્લ્સ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેબલ ટેનિસની બંને શ્રેણીમાં કુલ 80 અને લંગડીમાં 70 જેટલા ખેલાડીઓએ આનંદ-ઉત્સાહથી ભાગ લીધો હતો.
દમણ ખાતે આયોજીત ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઓપન મેન્સમાં પ્રથમ ક્રમે દીપ ભંડારી, દ્વિતીય ક્રમે માર્મિક ભગત અને તૃતિય સ્થાને ધર્મેશ બલ્સરા રહ્યા હતા. જ્યારે ઓપન વુમન્સની સ્પર્ધામાં પ્રથમ ક્રમે સિદ્ધિ બલ્સરા, દ્વિતીય સ્થાને બાસની સિંહ અને તૃતિય ક્રમ યશ્વી પટેલે મેળવ્યો હતો.
લંગડી અંડર-19ની સ્પર્ધામાં પ્રથમ સ્થાન જી.એચ.એસ.એસ. સ્કૂલ-ઝરીએ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે દ્વિતીય સ્થાને જી.એચ.એસ. સ્કૂલ, નાની દમણ અને તૃતિય સ્થાને જી.એચ.એસ.એસ. સ્કૂલ ડાભેલ રહી હતી.
‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ના ઉપલક્ષમાં દમણમાં આયોજીત સ્પર્ધામાં વિજેતાખેલાડીઓને મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા રમત-ગમત સંયોજક શ્રી દેવરાજ સિંહ રાઠોડે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. તમામ સ્પર્ધાઓના આયોજનને સફળ બનાવવા વિવિધ શાળાઓના શારીરિક શિક્ષણના શિક્ષકો અને વિભાગના સ્ટાફે તેમનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
————