જુદા જુદા પો.સ્ટે.માં વિવિધ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વલસાડ જિલ્લા પોલીસમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી 64કર્મચારીની બઢતી તેમજ 41 પોલીસ કર્મચારીઓના પગાર ધોરણ વધારવામાં આવ્યા છે તેથી પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બિનહથિયાર ધારી અને હથિયાર ધારી પોલીસ હેડ કોન્સ્ટેબલ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની બઢતી આપવામાં આવી છે તેમજ હથિયાર ધારી-બિનહથિયાર ધારી પોલીસ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના પોલીસ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર થયું છે. પોલીસ મહાનિર્દેશક મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર વિકાસ સહાય તથા સુરત પોલીસ મહાનિર્દેશક પ્રેમવીરસિંહ, પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, નાયબ પો.અધિક્ષક એ.કે. વર્મા ઉચ્ચ અધિકારીઓની કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બઢતી મળેલ કર્મચારીઓ 24 અનામી હેડ કોન્સ્ટેબલ, અનામી આસિ. સબ ઈન્સ્પેક્ટર 29, હેડ કોન્સ્ટેબલ 4, ડ્રાઈવર આસિ. પોલીસ કોન્સ્ટેબલ 01 માઉન્ટેડ હેડ કોન્સ્ટેબલથી માઉન્ટેડ આસિ. સબ ઈન્સ્પેક્ટર મળી કુલ 64નો સમાવેશ થાય છે. પગાર વધારો અને બઢતીને લઈ પોલીસ વિભાગમાં કાર્યક્ષમતામાં વધારો થશે.