પતિને જેલમાંથી બહાર કાઢશો તો બન્ને બાળકો સાથે સ્યુસાઇડ કરવાની પત્નીએ ધમકી આપી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી જીઆઈડીસી પોલીસમાં જીઆરડી તરીકે ફરજ બજાવતી રોશની ડાંગરે ગત તા.03 સપ્ટેમ્બરે પતિ, જેઠ અને નણંદ સામે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેથી પોલીસે પતિની ધરપકડ કરી હતી. પતિને જેલમાંથી બહાર ના કાઢવા માટે હઠ પકડી મહિલા પી.એસ.આઈ. સાથે ફરિયાદી પત્નીએ ગેરવર્તન કર્યું હતું તેથી મહિલા વિરૂધ્ધ મહિલા પી.એસ.આઈ. રશ્મિતા બા ચુડાસમાએ ફરજમાં રૂકાવટ અડચણ ઉભી કરવા બાબતે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
જીઆઈડીસી પો.સ્ટે.માં જીઆરડી તરીકે ફરજ બજાવતા રોશની સંદીપભાઈ શેસરાવ ડાંગરે (રહે.ખોડીયાળ નગર વૈશાલીની ચાલી, છરવાડા)એ પતિ સંદીપ ડાંગરે, જેઠ સતિષ ડાંગરે, પ્રથમ નણંદ સીમા અજય નંદેશ્વર વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી તેથી પોલીસે પતિ સંદીપ ડાંગરેની ધરપકડ કરી હતી તે પછી ફરીયાદી પત્ની રોશની ડાંગરે તા.07 સપ્ટેમ્બરના રોજ પોલીસ મથકે આવી હતી અને જણાવેલ મારી ફરિયાદના આરોપીને જેલમાં રાખવાના છે. કાઢશો તો બાળકો સાથે સ્યુસાઇડ કરીશ. તેવી ધમકી આપી હતી. બીજી તરફ આરોપી સંદીપ ડાંગરેની કસ્ટડી પુરી થતા મેજીસ્ટ્રેટ સમક્ષ પોલીસ લઈ જતી હતી ત્યારે પત્ની રોશનીએ થર્ડફેઝમાં આવી પતિને રોકીદીધો હતો. પી.એસ.આઈ. પહોંચી ગયાહતા. રોશની બુમાબુમ કરી રહી હતી. સંદીપ ડાંગરેને પકડી રાખ્યો હતો. મહિલા પી.એસ.આઈ. સાથે ઝપાઝપી થઈ હતી. જો કે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી પરત પો.સ્ટે. આવી હતી. ત્યાં ફરી રોશની ડાંગરે પોલીસ સ્ટેશને આવી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાની ધમકી આપી નિકળી ગયેલા હતા.