સરકારના વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓ મળી રહેશે 17 સપ્ટેમ્બરે જિલ્લાના 6 તાલુકાઓમાંક્લસ્ટર મુજબ કુલ 166 ગામોને આવરી લેવાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડ સહિત રાજ્યભરમાં તા.17 સપ્ટેમ્બરથી સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના ત્રણ અભિયાનનો પ્રારંભ થઈ ચૂકયો છે. તા.31 ઓક્ટોબર સુધી ચાલનારી આ ત્રણેય ખાસ ઝૂંબેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી સમૃદ્ધ સમાજનો પાયો નખાશે. તો ‘સેવા સેતુ’ કાર્યક્રમથી જનતા-સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત થશે. તો ‘એક પેડ માં કે નામ’ અભિયાન થકી વડાપ્રધાનશ્રીનો સંકલ્પ જન-જન સૂધી પહોંચશે.
આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભા દંડકશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 74 મા જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં શરૂ થયેલા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે શરૂ થયેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તા.31 મી ઓકટોબર સુધી ચાલનારા આ સેવાયજ્ઞમાં આપણે જોડાઈએ અને આ માટે આપણે સૌ પ્રથમ આપણા આંગણાથી સ્વચ્છતાની શરૂઆતકરી આપણો મહોલ્લો, શેરી, ગામ, તાલુકો, જિલ્લો અને રાજય પણ સ્વચ્છ બને તે દિશામાં પ્રયાસો કરીએ. પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છતા હી સેવાના અભિયાનને ઝૂંબેશરૂપે ઉપાડી લઇને આપણું કર્તવ્ય નિભાવીએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ દેશના ગરીબ, વંચિત, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે અને તેના સારા પરિણામો મળી રહ્યા છે. તેઓશ્રીએ પ્રધાનમંત્રી આયુષ્ય યોજના હેઠળ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રૂ. સરકાર માન્ય હોસ્પિટલોમાં 5 લાખની કેશલેસ સારવારની યોજના શરૂ કરી છે જેને આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દભાઈ પટેલે રૂ.5 લાખ ઉમેરી આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ.10 લાખની રાજ્યની સરકાર માન્ય હોસ્પિટલોમાં કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે જેનો લાભ લેવા માટે તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત કોરોનાના સમયગાળામાં વર્ષ 2020 થી દેશના 80 કરોડ ગરીબો માટે શરૂ કરેલ મફત અનાજ આપવાની યોજના હાલમાં પણ ચાલુ છે અને તે હજુ 2029 સુધી કાર્યરત રહેનાર છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી આવાસો અંતર્ગત શહેરી અને ગ્રામીણ ગરીબોને આવાસો પૂરા પાડવાનું કામ કર્યુ છે.
વડાપ્રધાનશ્રીના એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત જિલ્લાપંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ-ડાંગ સાંસદ અને લોકસભા દંડકશ્રી ધવલભાઈ પટેલ, અને અન્ય મહાનુભાવોએ પ્રાથમિક શાળા ડુંગરી ખાતે વૃક્ષારોપણ અને ડુંગરી ગામે સાફ સફાઈ કરી હતી. આ કાર્યક્રમમાં સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ રાજય સરકારના સ્વચ્છતા હી સેવા, સેવાસેતુ અને એક પેડ કે નામ એમ ત્રિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ આજે તા.17 મી સપ્ટેમ્બરથી પ્રારંભ કરાયેલા અને તા.31 મી ઓકટોબર સરદાર જયંતિ સુધી ચાલનારા આ કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા હી સેવાના પ્રધાનમંત્રીશ્રીના આ અભિયાનમાં જોડાઈ અને ઝૂંબેશ સ્વરૂપે આપણે ઉપાડી લઇ આ જિલ્લામાં સ્વચ્છતા ક્ષેત્રે સારી કામગીરી કરવા પ્રયાસો કરીએ. પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે હાથ ધરાનારા સેવાસેતુ કાર્યક્રમના દસમાં તબક્કામાં દરેક તાલુકામાં 3 સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. દરેક તાલુકાના ગામોની 3 ક્લસ્ટરમાં વહેંચણી કરવામાં આવી છે જેમાં દરેક ગામોને આવરી લેવામાં આવશે. આજ તા.17 સપ્ટેમ્બરના રોજ પ્રથમ ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોને આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ બીજાબે ક્લસ્ટરમાં બાકી ગામોનો સમાવેશ કરાયો છે. વધુમાં જિલ્લા કલેકટરશ્રી દવેએ જણાવ્યું કે, વિવિધ દાખલા મેળવવા માટે જન સેવા કેન્દ્રમાં પ્રોસેસ ફી પેટે રૂ.20 આપવામાં આવે છે પરંતુ સેવાસેતુમાં આ ફી માફ કરવામાં આવી છે. આવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ સેવાસેતુના કાર્યક્રમ યોજાનાર છે. જે વલસાડ શહેરમાં તા.18-19 સપ્ટેમ્બર, વાપીમાં તા.20 સપ્ટેમ્બર, પારડીમાં તા.21 સપ્ટેમ્બર, ધરમપુરમાં તા.1 ઓક્ટોબર અને ઉમરગામમાં તા.11 ઓક્ટોબરે યોજાશે જેનો લાભ લેવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના 6 તાલુકા પૈકી ધરમપુર તાલુકાના 36 ગામોને આવરી લેતો સેવાસેતુ કાર્યક્રમ પિંડવળ ગામની પ્રાથમિક શાળા, કપરાડા તાલુકાના 46 ગામો માટે સિલધા ગામની મુખ્ય પ્રાથમિક શાળા, વલસાડ તાલુકાના 43 ગામો માટે ડુંગરી સ્ટેશન પ્રાથમિક શાળા, વાપી તાલુકાના 9 ગામો માટે કવાલ ગ્રામ પંચાયત, પારડી તાલુકાના 17 ગામો માટે મોતીવાડા ગામમાં કોળી સમાજની વાડીમાં અને ઉમરગામ તાલુકાના 15 ગામો માટે ધોડીપાડા ગામના સાંસ્કળતિક ભવનમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. કલસરીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં વલસાડ તાલુકાપંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, વલસાડના પ્રાંત અધિકારી શ્રીમતી આસ્થાબેન સોલંકી, દક્ષિણ વનવિભાગના નાયબ વનસંરક્ષકશ્રી ઋષિરાજ પુવાર, તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઇ ચૌધરી, મામલતદાર મોહનાની અને ગામના સરપંચ શ્રીમતી પ્રીતીબેન દેસાઈ, સંબધિત વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
-000-