કલેક્ટરે પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિરાકરણ કરવા અધિકારીઓને આપેલી સૂચના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૧: જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમના સંકલનમાં રહીને સત્વરે ઉકેલ લાવવા કલેકટરે અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઇ પટેલે ગત સંકલન બેઠકમાં રેલવે અને ટેલીકોમ વિભાગના રજૂ કરેલા પ્રશ્નો બાબતે રેલવે અને ટેલીકોમ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેની માહિતી બેઠકમાં સંબધિત વિભાગો દ્વારા આપવામાં આવી હતી.
વલસાડ રેલવે સ્ટેશનની સમસ્યાઓના પ્રશ્નો રજૂ કરેલા હતા તે સંદર્ભે આજરોજ રેલવે વિભાગના સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ આર. સી. મીનાએ જણાવ્યું હતું કે, વલસાડ રેલવે સ્ટેશને હાલમાં ૬૪ ટ્રેનો હોલ્ટ કરે છે. અને ૧૩ ટ્રેનો વલસાડ રેલવે સ્ટેશનથી તેના નક્કી થયેલા રૂટ ઉપર આવન જાવન કરે છે. અને અન્ય ટ્રેનોના સ્ટોપેજ માટે મુંબઇ ડીવીઝન ઓફિસ અને રેલવે બોર્ડ દિલ્હીની મંજૂરી માટે કાર્યવાહી કરવામાં આવી છે. પ્લેટફોર્મ નં.- ૧ ને એક્ષટેન્શનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથોસાથ આ પ્લેટફોર્મ પર એસ્કેલેટર સુવિધા માર્ચ – ૨૦૨૧ થી શરૂ કરવામાં આવી છે અને પ્લેટફોર્મ નં.- ૨ અને ૩ માટે બે લીફટ મંજૂર કરવામાં આવી છે. જે મુજબ ફૂટઓવરબ્રીજની નજીક અને પાસર્લ ઓફિસની નજીક આવશે જેનું કામ હાલમાં પ્રોગેસમાં છે. આ સિવાય દરેક પ્લેટફોર્મને કવર શેડ કરવાનું કામ પણ હાલ ચાલી રહયું છે. વલસાડ રેલવે સ્ટેશન પર હાલમાં મુસાફરોની સુરક્ષા માટે જી. આર. પી અને આર. પી. એફ. ના જવાનો ૨૪ કલાક તેમની ડયૂટી બજવી રહયા છે.
વલસાડ સાંસદશ્રીના જિલ્લાના જે ગામોમાં મોબાઇલ નેટવર્કનો અભાવ છે તે ગામો બાબતે બી. એસ. એન. એલ. ના ઓપરેશનલ એરિયા હેડ કિરણ સપકાલે જણાવ્યું હતું કે, વલસાડ અને ડાંગ જિલ્લામાં ૧૬૪ ૪ જી ટાવર માટેની જગ્યા ફાળવવામાં આવી છે. જે મુજબ ૧૦૪ ટાવરો ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૬ ટાવરો આજની સ્થિતિએ કાર્યરત છે. જે મુજબ ધરમપુર તાલુકાના ૩૭ ગામોમાંથી ૨૨ ગામોમાં ટાવરો ઊભા કરવામાં આવ્યા છે જે પૈકી ૧૮ ટાવરો કાર્યરત કરાયા, કપરાડા તાલુકામાં ૪૫ ગામોમાંથી ૧૯ ગામોમાં ટાવરો ઊભા કરી ૧૩ ટાવરો કાર્યરત કરાયા, પારડી તાલુકામાં ૯ ગામોમાંથી ૭ ગામોમાં ટાવરો ઊભા કરી તેને કાર્યરત કરાયા છે ઉમરગામ તાલુકામાં ૨ ગામોમાં ટાવરોમાંથી ૧ ગામમાં ટાવર ઊભો કરવામાં આવ્યો છે. અને વાપી તાલુકામાં ૩ ગામોમાં ટાવરો કાર્યરત કરાયા છે. આજ પ્રમાણે ડાંગ જિલ્લાની વાત કરીએ તો આહવા તાલુકામાં ૧૮ ગામોમાંથી ૧૫ ગામોમાં ટાવરો ઊભા કર્યા તે પૈકી ૧૧ ગામોમાં ટાવરો કાર્યરત કરાયા, સુબરી તાલુકામાં ૨૩ ગામોમાંથી ૧૬ ગામોમાં ટાવરો ઊભા કર્યા તે પૈકી ૧૫ ટાવરો કાર્યરત કરાયા, વઘઇ તાલુકામાં ૧૬ ગામોમાંથી ૧૩ ગામોમાં ટાવરો ઊભા કરી ૧૧ ટાવરો કાર્યરત કરાયા.
ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના કલગામ અને ફણસા ખાતે દરિયાઇ ધોવાણ અંગે પ્રોટેકશન વોલ બનાવવા બાબતે રજૂ કરેલા પ્રશ્નમાં દમણગંગા નહેર સંશોધન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ કલગામ ગામે સોરઠવાડ ખાતે ૧૫૦૦ મીટર લંબાઇમાં તથા ફણસા ગામે મીટનવાડ ફળિયામાં ૯૦૦ મીટર લંબાઇમાં પથ્થર અને કોંક્રિટની પ્રોટેકશન વોલની એક તરફ આવેલ માંગેલવાડ થી બારીયાવાડ ખાતે ૧૧૦૦ મીટર લંબાઇમાં અને બીજી તરફ આવેલ માછીવાડથી કામરવાડ ખાતે ૮૦૦ મીટર લંબાઇમાં દરિયાઇ સંરક્ષણ વોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે સી. આર. ઝેડ કલીયરન્સ મેળવવા માટેની કાર્યવાહી ચાલુ છે. જેની મંજૂરી મળ્યા બાદ પ્રોટેકશન વોલની મંજૂરી મેળવી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પાટકરના બીજા પ્રશ્ન ઉમરગામ તાલુકાની અંદર કન્યા શાળા, તાલુકા પંચાયત કચેરી અને કુમાર શાળા આવેલ છે. જે નગરપાલિકા વિસ્તારમાં આવતી હોવાથી આ મકાનોમાં સરકારની પોલસીની કારણે આ શાળાઓના સ્કૂલના વિકાસ માટેના જરૂર કામો બાબતે ચીફ ઓફિસર ઉમરગામ દ્વારા કન્યાશાળા, તાલુકા પંચાયત અને કુમારશાળાની માલિકી તથા સંચાલનની જવાબદારી જિલ્લા પંચાયત હસ્તક ન હોઇ નગરપાલિકાને આ કામો કરવા માટે અમલીકરણ અધિકારી તરીકેની જવાબદારી આપવામાં આવે તો આ કામો કરવા બાબતે સંકલન બેઠકમાં કલેકટરશ્રીને જણાવતા આ અંગે અમલીકરણ અધિકારી તરીકે ચીફ ઓફિસર ઉમરગામને નિયુકત કરી આ બાબતે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ તમામ વિભાગોને તેમના હસ્તકના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. બેઠકમાં ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલસી વડા ર્ડો. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનુસૂયા ઝા, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઇ પટેલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. કલસરીયા, દક્ષિણ વનવિભાગના નાયબ વનસંરક્ષકશ્રી ઋષિરાજ પુવાર, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાત અધિકારીઓ સર્વ આસ્થા સોલંકી, અમીત ચૌધરી અને અકિંત ગોહીલ, તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.
-૦૦૦-