જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત કાર્યક્રમમાં અહિંસાનાલેવડાવેલા શપથ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દમણ જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મ જયંતિ આનંદ-ઉત્સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હતી. ઠેર ઠેર પ્રભાત ફેરી અને સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરાયું હતું. દમણ જિલ્લા ખાતે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાના નેતૃત્વમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ માળા અર્પણ અને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઓમકાર કલાવૃંદ ભજન મંડળી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અત્યંત પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ…’ અને ‘રઘુપતિ રાઘવ રાજારામ’ની રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાએ ઉપસ્થિત લોકોને વિશ્વ અહિંસા દિવસના ઉપલક્ષમાં અહિંસાની શપથ લેવડાવી હતી.
આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દમણ હોટલ એસોસિએશનના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ મીરામાર, ગુજરાત ભાજપ ઓબીસી મોરચાના પ્રભારી અનેદમણના આગેવાન નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ શ્રી સત્યેન્દ્ર કુમાર, સરપંચો, જિ.પં. સભ્યો, કાઉન્સિલરો, ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.