(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: ચીખલી તાલુકામાં રવિવારના રોજ વહેલી સવારથી જ કાળા દીબાંગ વાદળો ઘેરાવા સાથે દિવસ દરમ્યાન છુટા છવાયા વરસાદના ઝાપટા આવી રહ્યો હતો. આ દરમ્યાન બપોર બાદ પોણા ચારેક વાગ્યાના અરસામાં પવનના સુસવાટા સાથે તેજ ગતિએ વરસાદ શરૂ થયો હતો. અને ચીખલી તથા આસપાસના મજીગામ, સમરોલી, થાલા, વંકાલ સહિતના ગામોમાં સતત અડધો કલાક વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા.
આ વરસાદ અંગે મામલતદાર કચેરી સ્થિત ફલડ કંટ્રોલ રૂમમાં તપાસ કરતા આ વરસાદની કોઈ નોંધ કરવામાં આવી ન હતી. અને ફલડ કંટ્રોલ રૂમમાંફરજ પરનો કર્મચારી હાજર ન હતો. અને ફલડ કંટ્રોલ રૂમ પટાવાળાના ભરોસે જ રેઢિયાળ છોડી દેવાતા વરસેલો વરસાદ માપવામાં પણ ન આવ્યો હતો.
ચીખલીમાં આ વરસાદ દરમ્યાન કોઈ નુકશાની કે દુર્ઘટના ન ઘટી હતી. પરંતુ ઘણા કિસ્સાઓમાં વળતર ચૂકવવાના સમયે વરસાદના આંકડા ધ્યાનમાં લેવાતા હોય તેવા સંજોગોમાં વરસાદ વરસ્યો હોવા છતાં નોંધવામાં જ ન આવ્યો હોય તો શું સ્થિતિ સર્જાઈ તે સમજી શકાય તેમ છે. ફલડ કંટ્રોલ રૂમમાં કર્મચારી જ હાજર ન હોય અને પટાવાળાના ભરોસે જ છોડી દેવાતું હોય ત્યારે વરસાદ દરમ્યાન કોઈ દુર્ઘટના સર્જાઈ તો સરકારના આવા ડિઝાસ્ટર વિભાગ પર લોકોએ શું અપેક્ષા રાખવી તેવા અનેક સવાલો સાથે મામલતદાર કચેરીની ઘોર બેદરકારી સામે આવવા પામી છે.
મામલતદાર રાકેશભાઈ જોષીના જણાવ્યાનુસાર રવિવારના રોજ ફરજ પરનો કર્મચારી બીમાર હતો. રવિવારના રોજ મામલતદાર કચેરીમાં વરસાદ માપવાનું યંત્ર મૂકેલું છે. ત્યાં માપી શકાય એટલો વરસાદ વરસ્યો હશે. પરંતુ ત્યાં ન હતો.
—–