(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: તાલુકાસેવા સદનમાં સંબંધિત એજન્સીના સ્ટાફ દ્વારા આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. અને તેમાં બે જેટલી કિટો કાર્યરત છે. પરંતુ આધારકાર્ડમાં કોઈ અરજદારે નામમાં કે જન્મ તારીખમાં સુધારો કરાવવો હોય તેવામાં ઓપરેટર દ્વારા સોફટવેરમાં એન્ટ્રી તો કરાતી હોય છે. પરંતુ મહત્તમ કિસ્સામાં આ એન્ટ્રીઓ રિજેક્ટ થઈ જતી હોય છે. એટલે અરજદારનું કામ તો થતું નથી પરંતુ તેમણે આ માટેની જરૂરી ફિ તો ચૂકવી જ દેવી પડતી હોય છે. બીજી તરફ પોતાનો ધંધો રોજગાર બગાડી ભાડાનો ખર્ચ પણ માથે પડતો હોય છે.
આમ હાલે સેવા સદનમાં આધારકાર્ડમાં બાયોમેટ્રીક, મોબાઇલ નંબર બદલવા સહિતની માત્ર એપડેટની કામગીરી જ નિયમિત પણે ચાલી રહી છે. આધારકાર્ડ ઘણી જગ્યાએ અનિવાર્ય હોય તેવામાં સમયસર લોકોનું સુધારાનું કામ ન થતા અનેક મુશ્કેલીઓ વેઠવાની નોબત આવી છે. તંત્રના રેઢિયાળ કારભરમાં આખરે આમ પ્રજાએ હાડમારી ભોગવવી પડી રહી છે.
બે માસથી આ પ્રકારની સમસ્યા હોય તેવામાં કોઈ ડોકયુમેન્ટને લગતી સમસ્યા હોય કે કોઈ બીજી હોય પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રસ દાખવી કાયમી નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.
આધારકાર્ડની કામગીરીના સુપરવાઈઝર નિરવભાઈના જણાવ્યાનુસાર સુધારાનાકામમાં ઉપરથી ઇ રિજેક્શન આવે છે. પરંતુ રિજેક્શનનું કોઈ કારણ ઉપરથી આવતું નથી. અમે અરજદારોને સમજાવીએ છીએ ઉપરથી આ કામગીરી બંધ કરવાની સૂચના ન હોય અમારાથી અરજદારોને ના પડાતી નથી. હાલે રિજેક્શનનું પ્રમાણ વધી ગયું છે. અમે ઉપર તો જાણ કરી જ દીધેલ છે. પરંતુ આખા ઇન્ડિયામાં આધારકાર્ડ સેન્ટરમાં એન્ડ્રોલમેન્ટનું કામ થતું હોય છે. રિજેક્શન કે જનરેટની કામગીરી યુઆઇડી હેડમાંથી જ થતી હોય છે.
