સ્માર્ટ સીટી અને સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે
વાપી શહેરની વાસ્તવિકતા અલગ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપીમાં નગરપાલિકા દ્વારા હાલમાં તા.16 સપ્ટેમ્બરથી 31 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડીયા જોર શોરથી પ્રારંભ થયો છે. પરંતુ સ્વચ્છતા અભિયાનની ડાઘ લાગે તેવી વાસ્તવિકત સ્થિતિ વાપીના અનેક વિસ્તારોમાં જોવા મળી છે. વાપી સ્થિત સરવૈયા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય પથરાયેલું જોવા મળી રહ્યું છે. એ ઓછું હોય તેમ આ વિસ્તારમાં જીઈબીના ખુલ્લા જોખમી ટ્રાન્સફોર્મર પણ કાર્યરત છે તે મધ્યે સ્થાનિક નાગરિકો દોજખ જેવી સ્થિતિ વચ્ચે જીવવા લાચાર બની રહ્યા છે.
વાપી સરવૈયા નગર માત્ર ઉદાહરણ જ છે, બાકી અનેકો અનેકવિસ્તારમાં ગંદી ગટરો ઉભરાઈ રહી છે. સફાઈના નામે લાખોનો ખર્ચ થઈ રહ્યો છે. વાપી વાસીઓને સ્માર્ટ સીટી અને સ્વચ્છતા સર્વેક્ષણમાં વાહવાહી બતાવાઈ રહી છે પરંતુ નરી કડવી વાસ્તવિકતા જુદી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સરવૈયા નગર છે. ઈમરાનનગર વિસ્તારમાં આવેલ આ રહેઠાણ વિસ્તારમાં ગંદકી જ ગંદકી પથરાયેલી છે. જીઈબીના જોખમી ટ્રાન્સફોર્મર ગમે તે ઘડીએ અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિ વચ્ચે સ્થાનિક રહીશો જીંદગી જીવવા માટે લાચાર બની રહ્યા છે. પાલિકા હવે મહાનગર પાલિકા ભણી જઈ રહી છે પરંતુ જમીની હકિકતો રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સફાઈમાં કેવી અને કેટલી કામગીરી થશે તે જોવું રહ્યું.