(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ આરપીએફ ગ્રાઉન્ડની સામે રેલવે યાર તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતા તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી. ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ દેતા આ માર્ગ પર પસારથતા સ્કૂલના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરનો વિસ્તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી. અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જ્યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ – ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથે જ ગણતરીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી. અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ કામગીરી સમયે સ્થળ પર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય અમિશભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ, ભાજપ કાર્યકર્તા સુનિલભાઈ કવો ઉપસ્થિત રહ્યા હતા.
