હાઈવે ઉપરના બંધ કટ ખુલ્લા કરાશે : રેલવેની જગ્યામાં પાર્કિંગ કરાવા રેલવેને રજૂઆત કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપીની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પોલીસ, રેલવે, હાઈવે, જી.આઈ.ડી.સી., નોટિફાઈડ, પાલિકા વિગેરે વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ કવાયત હાથ ધરી હતી. તેમાં કેટલીક ફોર્મ્યુલા બનાવી અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટ્રાફિક સમસ્યા માટે હાથ ધરાયેલ કવાયતમાં ડી.વાય.એસ.પી. બી.એન. દવે, હાઈવે ઓથોરિટી લીગલ ટીમ લીડર કમલ જૈન, જીઆઈડીસી નોટીફાઈડ, પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી. જેમાં એવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. હાઈવેથી સર્વિસ રોડ ઉપરના હાલના બંધ કટ ખોલી નાખવા, જેથી વાહનો હાઈવે પરથી ઉતરી-ચઢી શકે. છરવાડા રોડ અંડરપાસ માટે હાઈવેઉપર ચઢવા ઉતરવા વધુ કટ ખુલ્લા મુકવામાં આવશે. વાપી રેલવે સ્ટેશન ઉપર પૂર્વમાં ટ્રાફિક સમસ્યા પેચીદી રહે છે. રેલવેની જગ્યામાં ખાનગી વાહનો પાર્ક કરવાની છૂટ આપવાની માંગણી કરાઈ છે તેથી બહારના રોડ ખુલ્લા રહે. તેથી આગામી સમયે ચાર રસ્તાથી બલીઠા સુધી હાઈવે ઉપર સર્વિસ રોડો ઉપર ટ્રાફિકની સમસ્યામાં સુધારો આવશે તેવા નિર્ણયો ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા છે.