સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત તેમના સલાહકાર અમિત સિંગલા, જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા, એસ.પી. અમિત શર્મા સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને આમલોકોએ સ્વચ્છતા અભિયાનમાં લીધેલો ભાગ
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્વયં બીચ ઉપરથી પ્લાસ્ટિક, નારિયેળના કોચલા સહિતનો અન્ય કચરો ઉપાડી પુરૂં પાડેલું સ્વચ્છતા પ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : વિશ્વ મહામાનવ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, 2 ઓક્ટોબરને ભારત સરકાર દ્વારા ‘‘સ્વચ્છ ભારત દિવસ” તરીકે જાહેર કર્યો છે. જેમાં સમગ્ર દેશમાં આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘‘સ્વચ્છતા હી સેવા” અભિયાન સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર-2024 સુધી ચલાવાયુ હતું.
જેની કડીમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ વિવિધ એકમો, સંસ્થાઓ, વિસ્તારોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં દમણના વિશાળ દરિયા કિનારાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાં તેમના સલાહકાર શ્રી અમિત સિંગલા, જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા, એસ.પી. શ્રી અમિત શર્મા સહિત પ્રશાસનિક અધિકારીઓ, કર્મચારીઓ, સેવા સંસ્થાના સભ્યો અને આમલોકો જોડાયા હતાઅને સ્વચ્છતા પ્રત્યે તેની જનભાગીદારી અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે દમણના વિશાળ સમુદ્ર કિનારાની સ્વચ્છતા માટે સાફ-સફાઈ કરવામાં આવી હતી.
આ સ્વચ્છતા અભિયાન નાની દમણ જેટી પાસેના સમુદ્રનારાયણ મંદિરથી પ્રિન્સેસ પાર્ક સુધીના 6 કિલોમીટરના સમુદ્ર પટ્ટા પર આયોજીત કરાયું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને બીચ ઉપર આમતેમ પડેલો કચરો ઉઠાવી સ્વચ્છતા પ્રત્યે એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડયું હતું. અત્રે આયોજીત સ્વચ્છતા અભિયાનમાં લગભગ 6000 જેટલા લોકો જેમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વન વિભાગના કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સેવા સંગઠનોના પ્રતિનિધિઓ, સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમણે સ્વૈચ્છાએ ભાગ લઈને સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી.
જિલ્લા પ્રશાસન દ્વારા સમુદ્ર કિનારાની સફાઈ માટે આ વિશાળ અભિયાનથી સ્થાનિક લોકો અને યુવાઓને સ્વચ્છતા પ્રત્યે પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સહિત તમામે સમુદ્ર કિનારા ઉપરથી પ્લાસ્ટિક કચરો અને અન્ય ગંદકી દૂર કરી હતી, જેનાથી સમુદ્ર કિનારાની સુંદરતામાં વધારો થયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્ર,નદી કે અન્ય પ્રાકૃત્તિક જળષાોતને પ્રાકૃત્તિક રીતે સ્વચ્છ રાખવા તેમજ જળષાોતોના કિનારે ઉમદા કચરા નિકાલ સંચાલન પ્રણાલી તૈયાર કરવાનો હતો.
આ અવસરે જિલ્લા પ્રશાસને તમામ નાગરિકોને નિયમિત રીતે તેમની આસપાસ સ્વચ્છતા જાળવવા આગ્રહ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ‘‘સ્વચ્છતા અભિયાન” ફક્ત એક દિવસનો પ્રયાસ નથી, પરંતુ તેને આપણાં જીવનનો એક ભાગ બનાવવો આવશ્યક છે.