(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.03: છેલ્લા બે ત્રણ વર્ષથી પારડી શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં દિવાળી તથા ઠંડીના સમયગાળામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ જતી હોય આ વિસ્તારોમાં ચોરીના બનાવો બની રહ્યા છે.
પારડીના કોટલાવ ભંડારવાડ ખાતે ગઈકાલે રાત્રે આવી જ ચડ્ડી-બનીયાન ધારી ગેંગે નેવીલભાઈ રમેશભાઈ ભંડારીના ઘરના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરીનીચેના બેડરૂમમાં રાખેલ કબાટની તિજોરી તોડી તથા પતરાના ડબ્બામાં રાખેલ સોનાની ચેઈન નંગ એક પોણા બે તોલાની કિંમત રૂા.70000, 2. સોનાની વીંટી નંગ બે એક તોલાની કિંમત રૂા.40,000, 3. સોનાના પેન્ડલ નંગ ત્રણ કિંમત રૂા.10000 તથા રોકડા રૂા.30,000 મળી કુલ રૂા.1,50,000 ની ચોરી કરી નાસી છૂટયા હતા.
ઘરની ઉપરના ભાગે સુતેલ ઘર માલીક નેવિલભાઈ સવારે 6:00 વાગે નીચે ઉતરતા તેઓએ ઘરનો દરવાજો ખુલ્લો જોતા તથા નીચેના બેડરૂમમાં રાખેલ કબાટનો સામાન વેર વિખેર હાલતમાં જોતા ચોરી થઈ હોવાની જાણ થતા તેઓએ પારડી પોલીસને જાણ કરી હતી. ચોરીની જાણ થતા પારડી પોલીસ સ્ટેશનના પીઆઇ જી.આર. ગઢવી ઘટના સ્થળે પહોંચી આ ચોરીના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો આદર્યા હતા.
છેલ્લા બે થી ત્રણ વર્ષથી પારડી શહેર તથા આજુબાજુના વિસ્તારને નિશાન બનાવી ચોરી કરતી આ ચડ્ડી બનીયાન ધારી ગેંગે આ વર્ષે પણ નવરાત્રીની આગલી રાત્રે ચોરીની શરૂઆત કરી પોલીસને ફરી એકવાર પડકાર ફેંકયો છે.
જોકે ચોરોની હરકત ફળિયામાં રાખેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે ત્યારે આ ચોરીની તપાસ કરી રહેલ પારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.એલ. વસાવા ચોરોને જલ્દીથી ઝભભે કરે એવી માંગ લોકોકરી રહ્યા છે.