આસામ રાજ્યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે પોતાની જવાબદારી નિષ્ઠા અને કાર્યક્ષમ રીતે નિભાવવા વિશાલભાઈ ટંડેલે આપેલી ખાતરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના યુવા નેતા અને ભાજપના રાષ્ટ્રીય ઓબીસી મોર્ચાના કારોબારી સભ્ય શ્રી વિશાલભાઈ ટંડેલને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાની સૂચનાથી ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કે.લક્ષ્મણના માર્ગદર્શનમાં ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય પ્રભારી શ્રી અરુણ સિંહની ઉપસ્થિતિમાં આજે યોજાયેલ વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે નિયુક્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આસામ જેવા મોટા રાજ્યના ભાજપ ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે શ્રી વિશાલભાઈ ટંડેલની કરાયેલી નિયુક્તિથી આવતા દિવસોમાં આસામ ખાતે ઓબીસી મોર્ચાનું સંગઠન વધુ મજબૂત બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.
શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે.લક્ષ્મણજી દ્વારા આસામ રાજ્યના પ્રભારી તરીકે સોંપવામાં આવેલદાયિત્વને તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે અને તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા, ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે.લક્ષ્મણ, ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય પ્રભારી શ્રી અરુણ સિંહ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ આભાર પણ પ્રગટ કર્યો છે.