ગોકુલ ગૃપના ડુપ્લીકેટ પાસ ઝડપાતા ખળભળાટમચ્યો : અન્ય આયોજનના પણ ડુપ્લીકેટ પાસ વેચાણની આશંકા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: ગુરૂવારથી વલસાડ જિલ્લામાં નવરાત્રીનો દબદબાપૂર્વક પ્રારંભ થયો છે. વલસાડ સિટીમાં સાર્વજનિક નવરાત્રી મહોત્સવના મોટા ચાર આયોજનો કરાયા છે તે પૈકી ગોકુલ ગૃપના ડુપ્લીકેટ પાસ કેટલાક ખેલૈયાઓ પાસેથી ઝડપાતા આયોજકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
વલસાડમાં તડકેશ્વર મહાદેવ પાસે ગોકુલ ગૃપનું નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. તદ્દઉપરાંત, રાઈઝીંગ પરિવાર, રંગતાલી અને અનાવિલ પરિવાર મળી કુલ 4 આયોજન કરાયેલા છે તે પૈકી પ્રથમ નવરાત્રીના દિવસે ગોકુલ ગૃપના કેટલાક ખેલૈયા પાસેથી ડુપ્લીકેટ પાસ મળી આવ્યા હતા. ગેટ ઉપર ચેકીંગ દરમિયાન પાસ ડુપ્લીકેટ હોવાનું જણાયું હતું. પાસ ધારક ખેલૈયાઓએ જણાવ્યું હતું કે, અમને આ પાસ 100 રૂપિયા સસ્તામાં મળ્યા એટલે ખરીદ્યા છે. કોઈ ભેજાબાજે ડુપ્લીકેટ પાસ છપાવીને વેચાણ કર્યાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ગોકુલ ગૃપના મુખ્ય આયોજક અને બાર એસોસિએશન પ્રમુખ વકીલ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, પાસ ગૃપના સભ્ય દ્વારા જ વેચાણ કરાય છે તેમજ કેમ્પસમાં સ્ટોલ ઉપર વેચાણ થાય છે તેથી કોઈએ બહારના વ્યક્તિ દ્વારાપાસ ખરીદવા નહી તેવી જાહેર અપીલ પણ કરી હતી. ગોકુલ ગૃપના ડુપ્લીકેટ પાસનું કૌભાંડ બહાર આવતા અન્ય આયોજકો પણ ચિંતામાં પડી ગયા છે કે અમારા પાસ તો ડુપ્લીકેટ નથી વેચાતા? તેવી આશંકાઓ પ્રવર્તી રહી છે.