(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકામાંથી પસાર થનાર હતો તે સુરત-નાસિક-અહમદનગર હાઇવેનું જમીન સંપાદનનું જાહેરનામું ભારત સરકારના ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. અને તે મુજબ તાલુકાના બોડવાંક, નોગામાં, માંડવખડક, સારવણી, કાકડવેલ, ટાંકલ, વાંઝણા, રાનવેરી કલ્લા, સુરખાઈ, કુકેરી સહિતના ખેડૂત ખાતેદારોની જમીનના 7-12 ના ઉતારામાં જમીન સંપાદન માટેની ફેરફાર નોંધ પણ જમીન સંપાદનના સક્ષમ અધિકારીના હુકમથી પાડી દેવામાં આવી હતી. જોકે જાહેરનામું પ્રસિધ્ધ થયાના એક વર્ષમાં જમીન સંપાદનની પરિણામલક્ષી કોઈ કામગીરી થઈ ન હતી. બીજી તરફ ખેડૂતો દ્વારા વાંધા અરજીઓ આપી વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે કેટલાક ગામોમાં જમીન વળતરમાં બજાર કિંમતની ચાર ઘણી રકમ ચુકવવામાં આવે તેવીમાંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
આમ જાહેરનામું પ્રસિધ્ધ થયાને એક વર્ષમાં જમીન સંપાદનની કોઈ કામગીરી ન થતા એ જાહેરનામું આપોઆપ રદ થવા સાથે સરકાર દ્વારા નવેસરથી જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું થતું હોય તેવા સંજોગોમાં સરકાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું ન હતું. પરંતુ ખેડૂતોની જમીનની નકલમાં જમીન સંપાદન માટે પાડવામાં આવેલ ફેરફાર નોંધ યથાવત રાખવામાં આવી હતી. જેને લઈને ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે આ ફેરફાર નોંધ રદ કરવા સક્ષમ અધિકારી દ્વારા હુકમ કરાતા મામલતદાર કચેરી દ્વારા તે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને કુકેરી ગામથી તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જોકે સરકાર દ્વારા આ પ્રોજેકટ કાયમી ધોરણે હાલ પૂરતો પડતો મુકવામાં આવ્યો છે તે સ્પષ્ટ થયું ન હતું. પરંતુ ફેરફાર નોંધ રદ કરાતા ખેડૂતોને મોટી રાહત થઈ છે.
બીજી તરફ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતો દ્વારા વધારે વળતર મેળવવાની ગણતરીએ નજીકના અંતરમાં મોટી આંબા કલમો ઉપરાંત ઇમારતી ઝાડોના છોડો પણ સર્વે થાય તે પહેલાં રોપી દેવામાં આવ્યા હતા. અને એક્ષપ્રેસ-વે તથા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ચુકાવાયેલ વળતર મુજબ ગણતરીઓ પણ કરવા માંડી હતી. ઉપરાંત પોતાની 7-12,8-અ ની નકલ પણ ચોખ્ખી થાય તેવા પણ પ્રયત્નો આદર્યા હતા. પરંતુ સરકાર દ્વારા 03/12/2021 3-એ નું જાહેરનામું રદ કરવા સાથે ખેડૂતોની જમીનની 7-12 ની નકલમાં જમીન સંપાદન માટેની એન્ટ્રીઓ રદ કરવાનો હુકમ કરવામાં આવતા કેટલાક ખેડૂતોને દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે જેવો ઘાટ સર્જાયો હતો. તો ઘણા ખેડૂતોમાં સરકારે પ્રોજેકટ પડતો મુકતા આનંદની લાગણી છવાઇ જવા પામી હતી.
ચીખલી તાલુકાના બોડવાંક-6 બ્લોક, નોગામા-73 બ્લોક, માંડવખડક-27 બ્લોક, સારવણી-98 બ્લોક, કાકડવેલ-26 બ્લોક, ટાંકલ-87 બ્લોક, વાંઝણા-42 બ્લોક, રાનવેરીકલ્લા-35 બ્લોક, સુરખાઈ-19 બ્લોક અને કુકેરી-227 બ્લોકનો સમાવેશ થાય છે.
—-
