સાહિલ પંડીત નામના યુવકની બાઈક જપ્ત કરી પોલીસે બીએનએસ 281 મુજબ કાર્યવાહી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વાપીમાં આજકાલ યુવાનોને જોખમી સ્ટંટ કરવાનું શુરાતન ચઢયુ હોય તેમ જીંદગી જોખમાય તેવા રીક્ષા કે બાઈક ઉપર સ્ટંટ કરતા હોય છે. ગતરોજ રાતે વાપી જીઆઈડીસીમાં બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવાનને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
વાપી જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં સાહિલ પંડિત નામનો યુવાન બાઈક ઉપર પોતાની અને અન્યોની જીંદગી જોખમાય તેવો સ્ટંટ કરતા પોલીસે ઝડપી પાડયો હતો અનેકાયદાનો દંડો ઉપાડયો હતો.
નવરાત્રીનો ધાર્મિક તહેવાર ચાલી રહ્યો છે ત્યારે કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જળવાય તે માટે પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની સુચના મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.ડી. પંથ, હે.કો. અશ્વિનભાઈ તથા ઈલેશભાઈ ટ્રાફિક ચેકીંગ ફરજ ઉપર હતા ત્યારે સાહિલ પંડિત લોકોની જીંદગી જોખમાય તેવો મોટર સાયકલ ઉપર સ્ટંટ કરતા રંગે હાથ ઝડપી પાડયો હતો. પોલીસે એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી બાઈક કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી યુવાનને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.