પાર્કિંગ પ્લસ આઠ માળના આ ક્વાટર્સમાં કુલ 32 ફલેટ છે, ટુ બીએચકેના ફલેટમાં ફર્નિચરની પણ સુવિધા ઉપલબ્ધ
બે લીફટ, જનરેટર, ફાયર ફાયટીંગ સીસ્ટમ અને ગેસ કનેકશન સહિતની અત્યાધુનિક સુવિધાથી સજ્જ કવાર્ટસ મળવાથી પોલીસ કર્મીઓમાં ખુશીની લહેર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વની ગાથા તરીકે તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી થઇ રહી છે. ત્યારે વલસાડ જિલ્લાને પણ આ વિકાસ યાત્રામાં એક પછી એક નવી ભેટો મળી રહી છે. આજે તા. ૧૧ ઓક્ટોબરે યોજાનાર વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ. ૬.૦૬ કરોડની માતબર રકમના ખર્ચે તૈયાર થયેલા પારડી પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ આવાસનું ઈ-લોકાર્પણ કરાશે.
વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા પોલીસ કર્મીઓ પોતાની નોકરીના સ્થળે રહી શકે તે માટે રાજ્ય સરકાર સદૈવ પ્રયત્નશીલ છે. વધુમાં વધુ સરકારી આવાસ કર્મચારીઓ માટે તૈયાર કરવાથી વતનથી દૂર બદલી થયેલા કર્મીઓને રાહત મળતી હોય છે. જે મુજબ આજે તા. ૧૧ ઓક્ટોબરે થનારી વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં પારડી પોલીસ આવાસોનું પણ ઈ લોકાર્પણ કરાશે. જે અંગે માહિતી આપતા વલસાડ જિલ્લા પોલીસ હેડ કવાટર્સના ડીવાયએસપી ભાર્ગવ પંડયાએ જણાવ્યું કે, આ પોલીસ ક્વાટર્સનું બાંધકામ પોલીસ આવાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે.
પાર્કિગ પ્લસ આઠ માળના આ ક્વાટર્સમાં કુલ ૩૨ ફલેટ છે. જે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈને પરિવાર સાથે રહેવા માટે ફાળવાશે. ફલેટમાં બે બેડરૂમ, હોલ, કિચન, સ્ટોરરૂમ, કોમન અને એટેચ ટોઈલેટની સુવિધા આપવામાં આવી છે. બંને બેડરૂમ તથા કિચનમાં વુડન કબાટ તેમજ મોડ્યુલર કિચન ફર્નિચરની સવલત છે. ગેસ કનેકશન, બે લીફ્ટ, જનરેટર, ગ્રાઉન્ડ ફ્લોર તેમજ કેમ્પસમાં ઓપન પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. ફલેટમાં આગ ને લગતા આકસ્મિક સંજોગો માટે ફાયર ફાયટીંગ સીસ્ટમની સુવિધા, પાણીની જરૂરીયાત માટે સંપ અને પંપ રૂમની વ્યવસ્થા આપવામાં આવી છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કેમ્પસમાં સ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોક પણ લગાડવામાં આવ્યા છે. દિવાળી પૂર્વે જ નવા કવાટર્સની ભેટ મળતા પોલીસ જવાનોમાં ખુશીની લહેર પ્રસરી છે.