પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂત હસમુખભાઈ પટેલ હાલ વર્ષે રૂ. ૩ લાખની આવક મેળવી રહ્યા છે
પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટયો અને આવક પણ વધવા લાગી હોવાનું ખેડૂતે જણાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં પ્રાકૃતિક ખેતીની ધુણી ધખાવતા ખેડૂત હસમુખભાઇ મોહનભાઇ પટેલના મણીબા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને પ્રાકૃતિક ખેતી આધારિત જંગલ મોડલ ફાર્મની વલસાડ જિલ્લાના પ્રોબેશનરી IAS પ્રસન્નજીત કૌરે મુલાકાત લીધી હતી.
ખેડૂત હસમુખભાઈએ IAS તાલીમાર્થી પ્રસન્નજીત કૌરને જણાવ્યું કે, પહેલા તેઓ રાસાયણિક ખેતી કરતાં હતા જેમાં તેમને નજીવો નફો થતો હતો. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા અને વડતાલ ખાતે ડિસેમ્બર ૨૦૧૯માં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં થોડી તકલીફ પડી હતી પરંતુ ત્યારબાદ સતત આ ખેતી કરવાથી ફાયદો થવા લાગ્યો અને ખર્ચ પણ ઘટી ગયો હતો.
વધુમાં હસમુખભાઈએ IAS તાલીમાર્થી પ્રસંજીત કૌરને પોતાની ગાયો બતાવી જીવામૃત અને બીજામૃત જાતે જ બનાવતા હોવાની પ્રોસેસ સમજાવી હતી. બાદમાં જંગલ મોડેલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકના સંવર્ધન વિશે માહિતી મેળવી હતી. ખેડૂત હસમુખભાઈએ પ્રાકૃતિક ખેતીમાંથી વાર્ષિક આવક ૩,૦૦,૦૦૦ કરતાં વધુ આવક થતી હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીની તાલીમ, માર્ગદર્શન અને સહાય માટે રાજ્ય સરકારશ્રીનો આભાર માન્યો હતો.
આ મુલાકાત વેળા જિલ્લાનાં આત્મા પ્રોજેકટના ડાયરેક્ટર ડી.એન.પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર વિમલભાઈ પટેલ અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાનાં મદદનીશ ખેતી નિયામક જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.