ઘર બહાર બનાવેલ પ્રોટેક્શન વોલમાં ટ્રક અટકતા મોટી દુર્ઘટના ટળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી ચીવલ રોડ ખાતે મોડી રાતે 1:30 થી 2:00 વાગે બે ટ્રકો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક થોડી દૂર જઈ ઘરની દીવાલ સાથે અથડાઈ ને ત્યાં જ અટકી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
પારડી ચીવલ રોડ પર માજી નગર પાલિકા સભ્ય વિનેશ પટેલના ઘરના સામે નાનાપોંઢાથી પારડી તરફ આવતી ટ્રક નંબર જીજે 18 બીવી 5351ના ચાલકને ઝોકુ આવી જતાં સામેથી આવતી ટ્રક નંબર એમએચ-42-એક્યુ-4950 સાથે ધડાકાભેર અથડાઈ હતી. નસીબજોગે બંને ટ્રક અથડાઈને એક ટ્રક રોડ નીચે ઉતરી ગઈ હતી જ્યારે બીજી ટ્રક વિનેશ પટેલનાઘર આગળ બનાવેલ પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ ત્યાં જ અટકી જતાં વિનેશ પટેલના ઘરના બાજુમાં આવેલા અન્ય એક કાચા ઘરમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો હતો. જેને લઈ રાત્રે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ દીવાલ અને ટ્રકને ભારે નુકસાન થયુ હતું. અકસ્માતનો ધડાકો સાંભળી આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. અને અકસ્માતની જાણ પારડી પોલીસને કરતા પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ક્રેન મંગાવીને ટ્રકને સાઇડમાં કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.