
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22: મોટી દમણ ખાતે આવેલ વાત્સલ્ય સ્કૂલમાં એક અનોખા અને સફળ બે દિવસીય પ્રદર્શન ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવના મદદનીશ શિક્ષણ નિયામક (શૈક્ષણિક) શ્રી પરિતોષ શુક્લાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિતકર્યા હતા અને સફળ કાર્યક્રમનું આયોજન બદલ ‘વાત્સલ્ય પરિવાર’ની પ્રશંસા કરી હતી.
‘‘એક ભારત, મહાન ભારત” અંતર્ગત વિવિધતામાં એકતા, ભારતની શોધ, વેદ-ઉપનિષદ અને પુરાણ, ગુરુકુળ, યોગ, આયુર્વેદ, જળ સંરક્ષણ, ગણિત અને વિજ્ઞાન, રમત-ગમત, હસ્તકલા, ચિત્રકળા, નૃત્યકળા, પુસ્તકાલય, સંગીત વાદ્ય, આપણી ધરોહર, ભારતીય અર્થવ્યવસ્થા, ઉત્પાદન, સુરક્ષા દળો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યટન અને ભારતના અમૂલ્ય રત્નો વગેરે વિષયોને ચિત્રો અને મોડેલના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તેમજ આપણા દેશના ‘રત્ન’ સમાન ભારતીય ઉદ્યોગપતિ ‘સ્વ. શ્રી રતન નવલ ટાટા’ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના અનોખા અને સફળ આયોજન માટે વાત્સલ્ય સ્કૂલના મેનેજમેન્ટ, આચાર્ય શ્રી પ્રદીપ પાણિગ્રહી, ઉપ આચાર્ય શ્રી એ. સુબારાવ, શૈક્ષણિક સંયોજક શ્રીમતી મોનિકા મેહતા, સી.સી.એ. સંયોજક શ્રીમતી દિવ્યા પટેલ સહિત શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફે આ સફળ કાર્યક્રમ માટે તમામ સહપાઠીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ સફળ પ્રદર્શન પછી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે વાત્સલ્ય સ્કૂલ તેના શ્રેષ્ઠતાના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

