(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીમાં ચાલુ ચોમાસા દરમ્યાન રેકોર્ડબ્રેક વરસાદ વરસી ચુક્યો છે. તેમજ હાલમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ આવી રહ્યો છે. જેના કારણે ખરીફ પાક ડાંગર, નાગલી સહિત અડદ, તુવેર અને ચોળા જેવા કઠોળના પાકોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના માથે આભ તૂટી પડયું છે. તેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી પ્રશાસન દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને જરૂરી વળતર રૂપે આર્થિક સહાય આપવામાં આવે તે માટે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે.
કલેક્ટરશ્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે દાનહમાં ચાલુ ચોમાસા દરમ્યાન ખુબ જ વરસાદ આવેલ હોય જે લગભગ આશરે 140ઇંચ કરતા પણ વધારે આજદિન સુધી પડેલ છે. જે રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયેલ છે જેના કારણે હાલમા0 ખરીફ પાક ક્યારનો તૈયાર થઈ ગયો હોવા છતાં હાલમાં રોજરોજ વરસાદ આવવાને કારણે ડાંગર, નાગલી અને અન્ય પાકો જેમાં ખાસ કરીને ડાંગરના પાકને ખુબ જ ભારે નુકસાન થયેલ છે. ખેડૂતોના ખેતરોમાંનો ડાંગરનો પાક પડી ગયેલ નજરે પડે છે. તેમજ વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ડાંગરના પાકના કણસલાસીધા જમીન પર પડી જઈને દાણા ઉગી નીકળેલા દેખાય છે જેથી ખેતી કરનારા તમામ ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે. હાલની ખેતી ખુબ જ ખર્ચાળ હોય અને એવી પરિસ્થિતિમાં થયેલ નુકસાન તેઓ માટે ખુબ જ મોટું હોય તમામ ખેડૂતો ભારે ચિંતામાં છે. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં લઈને પ્રશાસન તરફથી પ્રદેશમાં જ્યાં જ્યાં નુકસાન થયેલ છે એવા તમામ ખેડૂતોનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર રૂપે આર્થિક સહાય આપવામાં આવે એવી માંગ કરી છે.
