સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાળકોને નશીલી દવાઓ અને માદક પદાર્થોના દુરૂપયોગની રોકથામ અને ગેરકાયદે તસ્કરી ઉપર રોક લગાવવા માટે કરેલા સરાહનીય પ્રયાસોનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.02 : રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરના વર્ષોમાં શરૂ કરાયેલ ‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દેશના 372 જિલ્લામાંથી શ્રેષ્ઠ 30 જિલ્લામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં દાદરા નગર હવેલી જિલ્લાનો પણ સમાવેશ થયો છે અને કેન્દ્રના ગૃહરાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય દ્વારા દાદરા નગર હવેલી જિલ્લાને પુરસ્કૃત પણ કરાયા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાળકોને નશીલી દવાઓ અને માદક પદાર્થોના દુરૂપયોગની રોકથામ અને ગેરકાયદે તસ્કરી ઉપર રોક લગાવવા માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવ્યા હતા.
દાદરા નગર હવેલી જિલ્લામાં જિલ્લા સ્તર ઉપર બનાવવામાં આવેલ સંયુક્ત કાર્યયોજનાનું ઉત્કૃષ્ટ પરિણામ મળ્યું છે. જેમાં જિલ્લાને નશામુક્ત ભારત યોજનાનું કાર્યાન્વયન કરવામાં આવ્યું હતું અને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત વિવિધ હીતધારકોને તાલીમ પ્રદાન કરી તેમની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે દાદરા નગર હવેલી જિલ્લાને સંયુક્ત કાર્યયોજનાના સફળ કાર્યાન્વયન માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન જિલ્લાના રૂપમાં કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી શ્રીનિત્યાનંદ રાયના હસ્તે સ્મૃતિ ચિહ્ન અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયું હતું. દાદરા નગર હવેલી જિલ્લાને ઉત્કૃષ્ટ પ્રયાસો માટે દેશના કુલ 372 જિલ્લામાંથી શ્રેષ્ઠ 30 જિલ્લામાં આ બહુમાન મળ્યું છે.