(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના ગલોન્ડા ઝરીપાડા મુખ્ય રસ્તા ઉપર ગુરૂવારની મોડી રાત્રે કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતાં ટેન્કર રસ્તાની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર ટકરાયું હતો, જેમાં ચાલકને ઇજા થઇ હતી જ્યારે ટેન્કરમાં ભરેલ કેમિકલ ખેતરમાં વહી જતાં ખેતરને ભારે નુકસાન થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના ઝઘડીયાથી કેમિકલ ભરેલ ટેન્કર લઈ દાનહના સિલી ગામે કે.એલ.જે. કંપનીમાં પહોંચાડવા આવી રહેલ તે સમયે રાત્રે બાર વાગ્યાના સુમારે ગલોન્ડા ઝરીપાડા મુખ્ય રોડ પર ચાલક જયકાંતે ટેન્કરના સ્ટીયરીંગ પરથી અચાનક કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર ટકરાયું હતું. જેના કારણે ટેન્કરના આગળની કેબિનનો ભાગ દબાઈ ગયો હતો, જો કે સંજોગોવસાત ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. આઅકસ્માતનો અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટેન્કરની કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને ચાલકને સારવાર માટે સેલવાસ ખાતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ અકસ્માતના કારણે ટેન્કરમાં ભરેલું જ્વલનશીલ કેમીકલ બાજુના ખેતરમાં ઢોળાયું હતું જેના કારણે ખેતરમાં ઉભા પાકમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેને ફાયર વિભાગની ટીમે ખેતરમાં પાણી છોડી પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં પણ આ કેમિકલના કારણે શ્રી દેવુભાઈના ખેતરને ભારે નુકસાન થવા પામ્યું હતું.

Previous post