જિલ્લામાં તા.15 ડિસેમ્બરથી તા.31 જાન્યુઆરી 2025 સુધી ડિજિટલ ક્રોપ સર્વે કરાશે
જિલ્લાના છ તાલુકાઓમાં 1,30,657 હેક્ટર જમીન પર 45દિવસ સર્વે કરવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીની સભાખંડમાં રવિ ઋતુનો એગ્રીસ્ટેક – ડિજીટલ ક્રોપ સર્વે અંગે બેઠક મળી હતી. જેમાં જિલ્લાના છ તાલુકાઓમાં સમયસર સર્વે કામગીરી શરૂ થાય અને 45 દિવસમાં પૂર્ણ થાય તે અંગે કરાયેલા આયોજનની કલેકટરશ્રીએ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
દેશમાં પાક વાવેતરના રિયલ ટાઈમ ડેટા મેળવવા માટે ભારત સરકાર દ્વારા એગ્રીસ્ટેક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી જ ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે કામગીરી ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયર દ્વારા કરવામાં આવશે. તેનું એપ્રુવલ ગામના તલાટી દ્વારા કરવામાં આવશે. તેમજ સર્વેનું વેરિફિકેશન ગ્રામસેવક દ્વારા કરવામાં આવશે.
વાવેતરનો ડિજિટલ સર્વે થતા વાવેતરનો રિયલ ટાઈમ ડેટા સીધો ભારત સરકારને મળશે. જેના માધ્યમથી પાક વાવેતરની પરિસ્થિતિ, પાકનું નામ, સિંચાઈનો પ્રકાર વગેરેની માહિતી જાણી શકાશે. ભારત સરકારના એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત વલસાડ જિલ્લાના છ તાલુકાની આશરે 1,30,657 હેક્ટર એગ્રીકલ્ચર જમીનમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાંસમગ્ર જિલામાં પસંદગી કરવામાં આવેલા સર્વેયરો દ્વારા સર્વે નંબર ઉપર કયા પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે તેનું ડિજિટલ સર્વે કરવામાં આવશે. સર્વેયર દ્વારા મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી કયા સર્વે નંબરમાં કયા પાકનું વાવેતર કરાયું છે તેના ફોટો સાથેનો સર્વે કરવામાં આવશે. સર્વેનું કામ 45 દિવસ સુધી તા.31 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. વલસાડ જિલ્લાના તમામ ખેડૂતોને સહકાર આપવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા અનુરોધ કરાયો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, વલસાડના પ્રાંત અધિકારી વિમલ પટેલ, પારડીના પ્રાંત અધિકારી નિરવ પટેલ, ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા, નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલ, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) પ્રતિક પટેલ સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.