ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૧૪
ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી સહિત ઉપરવાસમાં સતત વરસાદને પગલે લોકમાતાઓમાં પુરની સ્થિતિ યથાવત રહેવા પામી હતી. ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
ચીખલી તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘ સવારી યથાવત રહેવા પામી છે. ધીમીધારે નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. રાત્રિ દરમ્યાન પણ ચીખલી તથા ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી અને ખરેરા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીમાં ચીખલીમાં ૧૪-ફૂટ જેટલી સપાટી ઍ પાણી વહી રહ્ના હતા.છેલ્લા તબક્કામાં ચોમાસુ જામવા પામ્યું છે.તાલુકામાં વધુ ૨.૫૨ ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ ૫૩.૮૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ફડવેલ ગામના ખોલી ફળીયામાં વહેલી સવારે છ ઍક વાગ્યાના અરસામાં મનુભાઈ નિશાભાઈ પટેલનું મકાન અચાનક જમીનદોસ્ત થતા ભરચોમાસે આ શ્રમજીવી પરિવારે છત ગુમાવતા મુશ્કેલીમાં મુકાયો હતો. શ્રમજીવી પરિવારનું આ કાચું મકાન તૂટવાનો અણસાર આવી જતા પરિવારના સભ્યો સમય સૂચકતા વાપરી ઘરની બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ અનાજ સહિત ઘરમાંની તમામ ચીજવસ્તુ પલળી જવા પામી હતી. સાથે છતના નળીયા પણ ભુક્કો થઈ જતા આ શ્રમજીવી પરિવારને મોટું આર્થિક નુકશાન થયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ પટેલ, નાયબ ટીડીઓ શ્રી બી.જી.સોલંકી, ઍપીઍમસીના ડિરેકટર શ્રી ચીમનભાઈ સહિતના ધસી જઈ નુકશાની અંગેનો સર્વે કરાવી પંચકયાસ સહિતની તજવીજ હાથ ધરી હતી.