ધન્ય છે ડૉ. આશા શેઠને કે જેમણે કોઈપણ પૂર્વગ્રહ રાખ્યા વિના ક્રૂર અને ઘાતકી, માનવતાને કોરાણે મૂકનાર ઈદી અમીનની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી. આ એક ભારતીય મહિલાનું ગૌરવ નથી, પણ નૈતિક મૂલ્યોના જતનની ચરમ સીમાનું આદર્શ ઉદાહરણ છે!
ઈ. સ. 1962માં યુગાન્ડાને યુનાઇટેડ કિંગડમ પાસેથી આઝાદી મળી. તે સમયે સૈન્યમાં જોડાયેલો ઈદી અમીન મેજરના હોદ્દા પર પહોંચ્યો. તેની આવડતને કારણે તે 1965માં યુગાન્ડા આર્મીના કમાન્ડર તરીકે નિયુક્ત થયો. જન્મથી જ ચપળ અને કાવાદાવામાં કુશળ અમીને લશ્કરમાં આર્થિક ગેરનીતિ કરવા માંડી. સેનાનો મન ફાવે તેમ ઉપયોગ કરી દેશમાં અરાજકતા ફેલાવી દીધી. આથી તે સમયના યુગાન્ડાના રાષ્ટ્રપતિ મિલ્ટન ઓબોટે તેની ધરપકડ કરવાની યોજના બનાવી રહ્યા હતા.
જનરલ ઈદી અમીનને તેની જાણ થતાં તેણે 1971માં મિલ્ટન ઓબોટેની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી અને પોતાને યુગાન્ડાના પ્રમુખ જાહેર કર્યો.
શરૂઆતમાં યુગાન્ડાના પરિવર્તન અને સુધારણા માટે આશાવાદી લોકો દ્વારા અમીનના લશ્કરી બળવાનું સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ તે સ્વાગત ઠગારું નિવડ્યું. તેના નિર્દય અને મનઘડંત આઠ વર્ષના શાસન દરમ્યાન અંદાજિત ત્રણ લાખ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. આર્થિક ગેરવહીવટ અને ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી. અમીનની આર્થિક નીતિઓ વ્યાપક ગરીબી, ફુગાવા અને આર્થિક વિનાશ તરફ દોરી ગઈ.
એશિયનો – ખાસ કરીને ભારતીયો અને પાકિસ્તાનીનાગરિકો – તેના અંધાધૂંધ વહીવટના વિરોધી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબોટેના ચાહક હતાં. તેથી યુગાન્ડાનું સુકાન સંભાળતાની સાથે જ 1972માં તેણે મુખ્યત્વે ભારતીય અને પાકિસ્તાની નાગરિકોને નેવું દિવસમાં જ પહેરેલે કપડે હાંકી કાઢવાનો આદેશ આપ્યો. જેના કારણે હજારો લોકોને પોતાની લાખો રૂપિયાની સંપત્તિ છોડી બળજબરીથી સ્થળાંતર કરવું પડયું. તેમાંના કેટલાંક ભારત, પાકિસ્તાન તેમજ યુ.કે.માં શરણાર્થી બન્યા. આ પગલાની આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા વ્યાપક નિંદા કરવામાં આવી.
પછી તો અમીનની આક્રમક વિદેશ નીતિને કારણે તાન્ઝાનિયા અને કેન્યા સહિતના પડોશી દેશો સાથે પ્રાદેશિક અસ્થિરતા અને સંઘર્ષો થયા. 1979માં યુગાન્ડાના નિર્વાસિતો અને તાન્ઝાનિયાના લોકોએ યુગાન્ડાની રાજધાની કમ્પાલાને કબજે કરી. અમીનને ભાગી જવાની ફરજ પડી ત્યારે તેના આતંકના શાસનનો અંત આવ્યો.
પછી તો તે લિબિયા, ઈરાક અને સાઉદી અરેબિયામાં રહ્યો. છેવટે તે 2003માં સાઉદી અરબીયામાં જ મૃત્યુ પામ્યો.
કહેવાય છે કે તેણે છ વાર લગ્ન કર્યા હતાં અને તે તેંતાલીસ સંતાનોનો પિતા હતો! આ ઉપરાંત નજરે આવનાર કોઈપણ સુંદરીને ભોગવવા તે તલપાપડ થઈ જતો. તે એટલો બધો કામુક અને વિકળત હતો કે પોતાનાંસંતાનો સમક્ષ પણ પોતાનીસ્ત્રીઓને ભોગવવા તૈયાર થઈ જતો!
જ્યારે 1980માં ઈદી અમીન લિબિયામાં નિર્વાસિત જીવન જીવી રહ્યો હતો તે દરમ્યાન મદ્યપાન અને ધૂમ્રપાનના ભારે વ્યસન તથા વિચિત્ર જીવનશૈલીને કારણે તેની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી ગઈ હતી. કિડનીની સમસ્યાને કારણે તે હિમેટુરિયાની (પેશાબ વાટે લોહી વહેવાની) ગંભીર બીમારીમાં સપડાઈ ગયો. તેની ખરાબ તબિયત હોવા છતાં પણ હઠીલા સ્વભાવને કારણે તે ડોક્ટરની સલાહ પણ ઇનકારતો.
આ દરમ્યાન તેની સારવાર માટે તબીબી ટીમના ભાગ રૂપે ભારતીય મૂળના એક અમેરિકામાં સ્થાયી થયેલાં મહિલા ડોક્ટરની અંગત તબીબી તરીકે નિયુક્તિ થઈ, જેમનું નામ હતું ડૉ. આશા શેઠ. આ મહિલા ડૉક્ટરે યોગ્ય નિદાન કરી સારવાર ચાલુ કરી. તેમની ટ્રીટમેન્ટથી અમીનની તબિયતમાં ઘણો સુધારો થયો.
રસપ્રદ વાત તો એ હતી કે ડૉ. આશા શેઠ જ્યારે તેની સારવાર કરતાં હતાં ત્યારે ઈદી અમીનને ખબર પડી કે તે ડોક્ટરના માતા-પિતા એશિયાઈ લોકોમાં સામેલ હતાં કે જેમને તેણે યુગાન્ડામાંથી વિલે મોંએ ક્રૂરતાથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો, ત્યારે તે ચોંકી ગયો.
અમીને ડૉ. શેઠને પૂછયું હતું કે, ‘યુગાન્ડામાંથી તેના માતા-પિતાને હાંકી કાઢવામાં તેની ભૂમિકાને જોતાંતેણી તેની સાથે આટલી કાળજી અને કરુણા સાથે કેવી રીતે સારવાર કરશે ?’
ડૉ. શેઠે ખચકાટ વિના જવાબ આપેલોઃ ‘એક ડૉક્ટર તરીકે, મારી ફરજ તમામ દર્દીઓની તબીબી સંભાળ રાખવાની છે. તેમાં તેનો ભૂતકાળ કે તેની ચાલચલગત જોવામાં આવતી નથી!’
અમીનનો કુખ્યાત ભૂતકાળ હોવા છતાં, ડૉ. શેઠે તેમની સંભાળ માટે વ્યાવસાયિક અને દયાળુ અભિગમ જાળવી રાખ્યો હતો. તેણીના પરિવારને નુકસાન પહોંચાડવામાં તેની પોતાની ભૂમિકા હોવા છતાં, અમીને ડો. શેઠની દર્દીઓ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે ચોક્કસ સ્તરનો આદર વિકસાવ્યો હતો. તેણીની કુશળતા અને દયાળુ સંભાળથી તે કથિત રીતે પ્રભાવિત થયો હતો. પછી તો તે ઘણી વાર વિવિધ તબીબી બાબતો પર ડૉ. આશા શેઠનો અભિપ્રાય લેતો અને તેની સલાહને અનુસરતો પણ ખરો!
આヘર્યની વાત તો એ હતી કે તેમની પ્રશંસાના પ્રતીક રૂપે અને સારવારનું ઋણ ચુકવવાના હેતુથી ઈદી અમીને ડૉ. શેઠને એક ખાસ ભેટ ઓફર કરીઃ તેણે એક કોરો ચેક આપી કળતજ્ઞતાના સંકેત રૂપે મન ચાહે તેટલી રકમ ભરવાની મંજૂરી આપી!
અમીનની ઑફરથી આશા શેઠ ચોંકી ઊઠ્યા. અનન્ય ઑફર હોવા છતાં ડૉ. શેઠ વ્યાવસાયિક અને નમ્ર રહ્યા. ડૉ. આશાએ અમીનની ઑફરને નકારી કાઢતાં વિનમ્રભાવે કહ્યું, ‘હું માત્ર એક ચિકિત્સક તરીકેનું પોતાનું કામ કરી રહી હતી. તે માટે હું કોઈ વિશેષ પુરસ્કાર કે વળતરને પાત્ર નથી.’
જડ બુદ્ધિના એ શાસકને ડૉ. આશાના નૈતિક મૂલ્યોથી પોતાના કળત્ય બદલ ચોક્કસ પસ્તાવો થયો હશે! ‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તે માનવતાની ચરમ સીમા છે.’ તે ડૉ. આશા શેઠે સાબિત કરી બતાવ્યું.
ધન્ય છે ડૉ. આશા શેઠને કે જેમણે કોઈપણ પૂર્વગ્રહ રાખ્યા વિના ક્રૂર અને ઘાતકી, માનવતાને કોરાણે મૂકનાર ઈદી અમીનની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી. આ એક ભારતીય મહિલાનું ગૌરવ નથી, પણ નૈતિક મૂલ્યોના જતનની ચરમ સીમાનું આદર્શ ઉદાહરણ છે!
મફત સારવાર તો ઠીક, પણ કારણ વગર ઓપરેશન કરનાર કે હોસ્પિટલના દર્દીઓને દાખલ કરનાર કે દવાઓની કંપનીઓ અને દર્દીઓની વિવિધ સારવારમાં તગડું કમિશન લેનારા આજકાલના ડૉક્ટરો વણકલ્પેલા અદ્વિતીય પુરસ્કારને ઠુકરાવતા ડૉ. આશા શેઠમાંથી પ્રેરણા લઈ નૈતિક મૂલ્યો જાળવવા પહેલ કરશે ખરા?