આંગણવાડીના નાના ભૂલકાં અને શાળાના વિદ્યાર્થીઓએ પક્ષીઘરમાં વિવિધ પક્ષીઓ સાથે રમી મેળવેલો રોમાંચઃ પ્રવાસીઓ પણ રમત નિહાળી ખુશ-ખુશાલ બન્યા
સરપંચ ઉર્વશીબેન પટેલે પક્ષીઘરમાં જ વિદ્યાર્થીઓ માટે ચિત્રકળા સ્પર્ધાનું કરેલું આયોજનઃ વિદ્યાર્થીઓએ પક્ષીઓને નિહાળી તેમની અદા કંડારી બતાવેલું કૌવત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે આંગણવાડીના નાના ભૂલકાંઓની સાથે શાળાના વિદ્યાર્થીઓને દમણના પક્ષીઘરની મુલાકાતનું સુંદર આયોજન કર્યું હતું. જેમાં નાના બાળકો પ્રકૃત્તિ સાથે પ્રાણીમાત્રના અતૂટ સબંધોની વાકેફ થયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આંટિયાવાડ-દાભેલ આંગણવાડીના ભૂલકાંઓ તથા સ્કૂલના વિદ્યાર્થીઓને બસ ટ્રીપથી દમણ એવીઅરી પક્ષીઘરનો પ્રવાસ કરાવ્યો હતો. નાના ભૂલકાંઓ દેશી-વિદેશી પક્ષીઓ જોઈ ખુબ જ ખુશ થયા હતા અને રંગબેરંગી પક્ષીઓ નિહાળી તથા તેમની સાથે રમી રોમાંચ માણ્યો હતો.
કેટલાક પક્ષીઓ બાળકોના ખભા અને હાથના ઉપર બેસી બાળકો સાથે રમત રમતા હોય એવું વાતાવરણ પેદા કર્યું હતું. પક્ષીઓ સાથે બાળકોની રમતનિહાળી અહીં ફરવા આવેલા પ્રવાસીઓ પણ ખુશખુશાલ થયા હતા.
નાના બાળકોને પક્ષીઘરના પ્રવાસ સાથે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે શાળાના વિદ્યાર્થીઓ માટે પક્ષીઘરમાં જ ચિત્રકળાની સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પક્ષીઘરમાં પક્ષીઓને જોઈ તેમની અદા ચિત્રકળામાં ઉતારવાની કોશિષ કરી હતી. સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓની કળા પ્રતિભાની પ્રશંસા કરી હતી અને સુંદર પેઈન્ટિંગ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અને આંગણવાડીના ભૂલકાંઓ સાથે વિદ્યાર્થીઓને ગિફટ આપી પ્રોત્સાહિત પણ કર્યા હતા.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે બાળકોને સમજાવ્યું હતું કે, આપણાં દમણના આ પક્ષીઘરની ગણના દેશના સર્વશ્રેષ્ઠ પક્ષીઘરોમાં થાય છે, જે આપણાં પ્રદેશ માટે ગૌરવની વાત છે. ભારતના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સપ્ટેમ્બર મહિનામાં આ પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રદેશના વિકાસપુરૂષ શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિથી દમણમાં પક્ષીઘરનો વિકાસ કરી પ્રવાસનને ચાર ચાંદ લગાવ્યા છે.
આજે પક્ષીઘર નિહાળવા આવેલા બાળકો પૈકી ઘણાં બાળકોના પરિવાર પાસે પોતાનું વાહન નહીં હોવાથી તેઓ અહીં આવી શકે એવી સ્થિતિમાં પણ નહીં હતા. પરંતુ આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતીઉર્વશીબેન પટેલની પહેલથી બાળકોને પક્ષીઘર નિહાળવાની સાથે સાથે તેમની સાથે રમવાની પણ અણમોલ તક મળી હતી.